રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પંજાબ સરકારે પાછી ખેંચી, કેન્દ્રએ આપી ઝેડ સિક્યુરિટી
નવી દિલ્હી, 15 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ જણાય છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા પાછી ખેંચી લેતા જ કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલું ભરી તેમને ‘ઝેડ’ કેટેગરીનું સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના થ્રેટ પરસેપ્શન રિપોર્ટના આધારે ગૃહ મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે.
નવા સુરક્ષા પ્રોટોકોલ મુજબ, રાઘવ ચઢ્ઢાને દિલ્હી અને પંજાબમાં ‘ઝેડ’ સુરક્ષા મળશે, જેમાં અંદાજે 22 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. આ ઘેરામાં 4 થી 6 એનએસજી કમાન્ડો સહિત આઈટીબીપી, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસના જવાનોનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યોમાં પ્રવાસ દરમિયાન તેમને ‘વાય પ્લસ’ સુરક્ષા પૂરી પાડવામાં આવશે.
છેલ્લા ઘણા સમયથી રાઘવ ચઢ્ઢા અને ‘આપ’ હાઈકમાન્ડ વચ્ચે મતભેદો હોવાની ચર્ચા હતી. તાજેતરમાં જ પાર્ટીએ તેમને રાજ્યસભામાં ઉપનેતાના પદેથી હટાવી દીધા હતા અને ગૃહમાં બોલવા પર પણ રોક લગાવી હતી. તેમની જગ્યાએ અશોક મિત્તલની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અશોક મિત્તલના ઘર અને યુનિવર્સિટી પર દરોડા પાડવામાં આવ્યા છે.
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જ્યારે જેલમાં હતા, ત્યારે રાઘવ ચઢ્ઢાની લાંબી ચુપકીદી પાર્ટીને ખૂંચી હતી. જોકે, ત્યારે એવું કારણ અપાયું હતું કે તેઓ આંખની સારવાર માટે વિદેશ ગયા છે, પરંતુ જેલમાંથી નેતાઓ છૂટ્યા બાદ પણ ચઢ્ઢાએ કોઈ ખાસ ઉત્સાહ બતાવ્યો નહોતો. પદ છીનવાયા બાદ ચઢ્ઢાએ વીડિયો જાહેર કરી પલટવાર કરતા કહ્યું હતું કે, “મને ખામોશ કરી શકાય છે, પણ હરાવી શકાશે નહીં.”
પંજાબમાં 2022માં આપ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદથી રાઘવ ચઢ્ઢા પાસે રાજ્ય સરકારની સુરક્ષા હતી, જે હવે વિવાદો વચ્ચે પાછી ખેંચી લેવામાં આવી છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાક્રમને રાઘવ ચઢ્ઢાના આમ આદમી પાર્ટીથી અલગ થવાના સંકેત તરીકે જોઈ રહ્યા છે.


