કાબુલ, 23 એપ્રિલ 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલો સીમા વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. તાલિબાન સરકારના સીમા મામલાના મંત્રી નૂરુલ્લાહ નૂરીએ પાકિસ્તાનને આડે હાથ લેતા સ્પષ્ટ કર્યું છે કે, અફઘાનિસ્તાન ક્યારેય ‘ડૂરન્ડ લાઇન’ ને સત્તાવાર સરહદ તરીકે સ્વીકારશે નહીં. નૂરીએ પાકિસ્તાન પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, પાકિસ્તાન નથી ઈચ્છતું કે અફઘાનિસ્તાનમાં કોઈ મજબૂત સરકાર શાસન કરે.
અફઘાનિસ્તાનના તખાર પ્રાંતમાં એક જનસભાને સંબોધતા નૂરીએ પાકિસ્તાનની ચેતવણી આપતા કહ્યું કે, “પાકિસ્તાન એવું ઈચ્છે છે કે જે સરહદ રેખા અમારા હૃદય ચીરીને પસાર થાય છે, તે કાલ્પનિક ડૂરન્ડ લાઇનને સત્તાવાર સરહદ જાહેર કરી દેવામાં આવે, પરંતુ અમે આ નાપાક ઈરાદાને ફગાવીએ છીએ. આ રેખા ક્યારેય સત્તાવાર સરહદ હતી નહીં અને ક્યારેય હશે પણ નહીં.” તાલિબાની નેતાએ વધુમાં ઉમેર્યું કે, તેમની સરકાર પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા ઈચ્છતી નથી, પરંતુ જો અફઘાનિસ્તાન પર યુદ્ધ થોપવામાં આવશે તો પોતાની માતૃભૂમિની રક્ષા કરવી એ દરેક અફઘાનીની ફરજ હશે. તેમણે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન અફઘાનિસ્તાન પર પોતાનો પ્રભાવ જાળવી રાખવા માટે સતત અવરોધો ઊભા કરી રહ્યું છે.
વર્ષ 1893 માં બ્રિટિશ પ્રતિનિધિ સર મોર્ટિમર ડૂરન્ડ અને અમીર અબ્દુલ રહેમાન ખાન વચ્ચે આ સીમા નક્કી કરવામાં આવી હતી. અફઘાનિસ્તાને આ રેખાને ક્યારેય માન્યતા આપી નથી. અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાનનું પેશાવર શહેર અને તેની આસપાસના આદિવાસી વિસ્તારો વાસ્તવમાં અફઘાનિસ્તાનનો ભાગ છે, કારણ કે ત્યાં પશ્તૂન વસ્તી વધુ છે. પાકિસ્તાન આ સરહદ પર કાંટાળી વાડ લગાવવા માંગે છે, જેનો તાલિબાન અને અગાઉની અશરફ ગની સરકાર બંનેએ સખત વિરોધ કર્યો છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં તણાવ એટલો વધી ગયો છે કે પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે, જેમાં અનેક લોકોના મોત થયા છે. જેના વળતા જવાબમાં અફઘાન દળોએ પણ પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવ્યા છે. ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ હવાઈ હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરી છે. હાલ બંને દેશો વચ્ચેની સરહદ બંધ છે અને સ્થિતિ ગંભીર બનેલી છે.
આ પણ વાંચોઃ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું


