યુએઈમાં ડ્રોન હુમલામાં 3 ભારતીય ઈજાગ્રસ્ત, પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા
નવી દિલ્હી, 5 મે 2026: સંયુક્ત આરબ અમીરાતના ફુજૈરા શહેર પર થયેલા ભીષણ ડ્રોન અને મિસાઈલ હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કડક શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. યુએઈ સરકારે આ હુમલા માટે સીધો ઈરાનને જવાબદાર ઠેરવ્યો છે, જેના કારણે ખાડી દેશોમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “યુએઈ પર થયેલા હુમલાની હું સખત નિંદા કરું છું. સામાન્ય નાગરિકો અને પાયાની સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ને નિશાન બનાવવું બિલકુલ સ્વીકારી શકાય નહીં.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત આ સંકટના સમયે યુએઈની સાથે મજબૂતીથી ઉભું છે અને તમામ વિવાદોનો ઉકેલ મુત્સદ્દીગીરી અને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા લાવવા પર ભાર મૂકે છે.
Strongly condemn the attacks on the UAE that resulted in injuries to three Indian nationals. Targeting civilians and infrastructure is unacceptable.
India stands in firm solidarity with the UAE and reiterates its support for the peaceful resolution of all issues through…
— Narendra Modi (@narendramodi) May 5, 2026
પીએમ મોદીએ વ્યૂહાત્મક રીતે મહત્વની ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (હોર્મુઝની સામુદ્રધુની) માંથી જહાજોના સુરક્ષિત પરિવહન પર પણ ભાર મૂક્યો હતો. નોંધનીય છે કે દુનિયાના અંદાજે 20 ટકા તેલ અને ગેસનો પુરવઠો આ સાંકડા જળમાર્ગ પર નિર્ભર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આ વિસ્તારમાં અવરજવર ખોરવાઈ છે, જેના લીધે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થયો છે અને અનેક દેશોમાં ઉર્જા સંકટ ઊભું થયું છે.
યુએઈના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારે (4 મે) તેમના એર ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી છોડવામાં આવેલી 12 બેલેસ્ટિક મિસાઈલો, 3 ક્રુઝ મિસાઈલો અને 4 આત્મઘાતી ડ્રોનને હવામાં જ તોડી પાડીને મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ ચીમકી આપી છે કે તેઓ કોઈપણ ખતરાનો સામનો કરવા માટે સજ્જ છે અને દેશની સુરક્ષા સાથે બાંધછોડ કરનારને જડબાતોડ જવાબ આપવામાં આવશે.


