ગાંધીનગર, 21 જુન,2026 : Farmers will be provided with 10 hours of electricity supply ગુજરાતમાં હજુ વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો નથી. ખેડૂતોએ વાવણીની આગોતરી તૈયારી કરી દીધી છે. અને મેધરાજાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સિંચાઈ માટે પાણીની સુવિધા છે એવા ખેડૂતોએ ખરીફ પાકનું આગોતરૂ વાવેતર કરી દીધુ છે. ત્યારે કૃષિ ક્ષેત્રે ઊભી થયેલી પાણીની તંગીને ધ્યાનમાં રાખીને હવે ખેડૂતોને નિયમિત 8 કલાકના બદલે 10 કલાક વીજળી પૂરી પાડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે અને અલનીનોની સંભવિત પ્રતિકૂળ અસરને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ ક્ષેત્રે ઊભી થયેલી પાણીની તંગીને ધ્યાનમાં રાખીને હવે ખેડૂતોને નિયમિત 8 કલાકના બદલે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવશે. સરકારના આ આગોતરા આયોજન અને નિર્ણયથી ખેડૂતો પોતાના કિંમતી આગોતરા વાવેતરને સુકાઈ જતું બચાવી શકશે અને પાકને પૂરતું જીવનદાન મળી રહેશે.
ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહેતા અને વરસાદ લાંબા સમય સુધી ખેંચાતા સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અને ખેતી માટે સંકટ ઊભું થયું છે. પૂરતા વરસાદના અભાવે જમીનમાં ભેજ સુકાઈ રહ્યો છે અને કુવા તથા બોરના તળ નીચા જવાથી સિંચાઈ માટે પાણીની મુશ્કેલીઓ દિનપ્રતિદિન વધી રહી છે. ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર લાવીને વાવેતર તો કરી દીધું છે, પરંતુ હવે તે પાકને જીવંત રાખવા માટે કૃત્રિમ સિંચાઈ સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેના કારણે ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે.
રાજ્યમાં વરસાદ ન પડવાને કારણે ઊભી થયેલી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના વિવિધ ખેડૂત સંગઠનો, અગ્રણીઓ અને કૃષિ ક્ષેત્રના આગેવાનો દ્વારા સરકારમાં તથા મુખ્યમંત્રીને તાત્કાલિક ધોરણે રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની મુખ્ય માગણી એવી હતી કે પાકને બચાવવા માટે હાલમાં આપવામાં આવતી 8 કલાકની વીજળી પૂરતી નથી, તેથી વીજ પુરવઠાનો સમય વધારવામાં આવે. આ રજૂઆતો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને રાજ્ય સરકારે એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૃષિ ક્ષેત્રમાં સિંચાઈની વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે હવે કૃષિ ફીડરોમાં 8 કલાકના સ્થાને રોજના 10 કલાક વીજ પુરવઠો આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય આગામી એક માસ એટલે કે એક મહિના સુધી ખાસ વ્યવસ્થાના ભાગરૂપે અમલમાં રહેશે. આ વધારાની વીજળી મળવાને કારણે ડાંગર, શેરડી, કેળા અને પપૈયા જેવા રોકડિયા પાકો, જેને વિપુલ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે, તેને ખૂબ જ મોટો ફાયદો થશે. કુદરતી વરસાદના અભાવે ખેડૂતોનો સંપૂર્ણ આધાર હવે બોરવેલ, સબમર્સિબલ પંપ અને અન્ય વીજચાલિત સાધનો પર વધી ગયો છે. આ સંજોગોમાં નિયમિત અને પૂરતો વીજ પુરવટો મળવાથી રાજ્યમાં કૃષિ પાકના વાવેતર તેમજ તેના ઉછેરને નવું બળ મળશે અને પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી હતી તે દૂર થશે.

