Homeગુજરાતીગુજરાતસુરતના લિંબાયત વિસ્તારમાં મ્યુનિના કચરાના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

સુરતના લિંબાયત વિસ્તારમાં મ્યુનિના કચરાના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

સુરત, 28 સપ્ટેમ્બર, 2026 :  Massive fire breaks out at SMC waste plant શહેરના લિંબાયત વિસ્તારમાં મીઠીખાડી નજીક આવેલા મ્યુનિના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નિકળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ લાગ્યાની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. તાબડતોબ અલગ-અલગ 3 ફાયર સ્ટેશનોમાંથી 5થી વધુ ફાયર ટેન્ડરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી હતી.

આ આગના બનાવની વિગત એવી છે કે, શહેરના લિંબાયત વિસ્તારમાં મીઠીખાડી નજીક આવેલા મ્યુનિના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટમાં અચાનક ભીષણ આગ ફાટી નિકળી હતી. પ્લાન્ટમાં મોટા પ્રમાણમાં હોટ ફિક્સ (ટેક્સટાઇલ મટીરિયલ સંબંધિત પ્લાસ્ટિક-કેમિકલયુક્ત કચરો) હોવાથી આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે 5 કિલોમીટર દૂરથી પણ આકાશમાં કાળા ડીબાંગ ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટપણે જોવા મળતા હતા, જેને પગલે સ્થાનિક રહીશોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાની ફાયર વિભાગને જાણ થતાં જ તાબડતોબ અલગ-અલગ 3 ફાયર સ્ટેશનોમાંથી 5થી વધુ ફાયર ટેન્ડરો અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે કવાયત હાથ ધરવામાં આવી છે. સદનસીબે હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્લાન્ટમાં આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર, તે અંગે ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ  મ્યુનિના કચરાના પ્લાન્ટમાં પ્લાસ્ટિકના બળવાથી હવામાં ફેલાયેલા કેમિકલયુક્ત અને ગૂંગળાવી નાખતા ધુમાડાને કારણે આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવામાં ભારે તકલીફ તથા આંખોમાં બળતરાની ફરિયાદો ઊઠી હતી. ઝેરી વાયુના કારણે વિસ્તારમાં અફરાતફરી સાથે ગૂંગળામણભરી સ્થિતિ સર્જાતાં લોકો મોઢે રૂમાલ બાંધીને ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રતિબંધ છતાં જાહેરમાં ઠલવાતા આ પ્રકારના ખતરનાક વેસ્ટથી વારંવાર પેદા થતો ઝેરી ધુમાડો હવે સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular