Homeગુજરાતીગુજરાતસુરતના ડુમસ બીચ પર નહાવા પડેલા બે યુવાનો દરિયામાં ડૂબ્યા, શોધખોળ શરૂ

સુરતના ડુમસ બીચ પર નહાવા પડેલા બે યુવાનો દરિયામાં ડૂબ્યા, શોધખોળ શરૂ

સુરત, 28 સપ્ટેમ્બર, 2026 : Two youths drowned in the sea while bathing at Dumas Beach શહેરના ડુમસ બીચ પર ઉધના વિસ્તારમાં રહેતા ચાર યુવાનો ફરવા માટે ગયા હતા. જેમાં બે મિત્રો બીચ પર ગણેશ મંદિરની પાછળ દરિયાના પાણીમાં નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં બીચ પર ભારે અફરા-તફરી મચી ગઈ હતી.  બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવકોની શોધખોળ હાથ ધરી છે.

સુરત શહેરની નજીક આવેલા ડુમસ બીચ પર રવિવાર સહિત જાહેર રજાના દિવસે ફરવા માટે આવેલા લોકોની ભારે ભીડ રહેતી હોય છે. બીચ પર નહાવા માટે પ્રતિબંધ હોવા છતાંયે તેને અવગણીને ઘણા લોકો દરિયામાં નહાવા માટે પડતા હોય છે. હાલ દરિયામાં ઓટ હોવાથી નહાવુ જોખમરૂપ હોય છે. ત્યારે શહેરના ઉધના વિસ્તારમાં રહેતા ચાર મિત્રો સાંજના સમયે ડૂમસ બીચ પર ફરવા માટે આવ્યા હતા. દરમિયાન ઝીયાન કુરેશી અને તેનો મિત્ર ઈકબાલ શેખ ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિરના પાછળના ભાગે દરિયામાં નહાવા ઉતર્યા હતા. નહાતી વખતે અચાનક બંને યુવાનો ઊંડા પાણીમાં ખેંચાઈને ડૂબવા લાગ્યા હતા. બંને યુવકોને ડૂબતા જોઈ આસપાસના સ્થાનિક લોકોની નજર તેમના પર પડી હતી. સ્થાનિકોએ તાત્કાલિક તેમને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ દરિયામાં ઓટ અને ઊંડા પાણીને કારણે બંનેની કોઈ ભાળ મળી શકી નહોતી. તેમના અન્ય મિત્રો કિનારે હાજર હતા અને સમગ્ર ઘટનાને પગલે ભારે શોકનો માહોલ સર્જાયો હતો. બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને કોલ મળતાં જ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ લાઈફ જેકેટ અને રિંગ બોયાની મદદથી દરિયામાં ઉતરીને બંને યુવાનોની સઘન શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular