અમદાવાદ, 28 સપ્ટેમ્બર, 2026 : Two accidents, two deaths શહેરમાં અકસ્માતના જુદા જુદા બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતના બનાવમાં સરખેજ વિસ્તારમાં 15 વર્ષીય સગીરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા 16 વર્ષીય સગીરને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતના બીજા બનાવમાં શહેરના કૃષ્ણનગર ખાતે BRTS ટ્રેકમાં પૂરપાટ ઝડપે ઘૂસેલી રિક્ષાએ રસ્તો ઓળંગી રહેલા 62 વર્ષીય સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતાં તેમનું મોત થયું હતું. આ બંને કિસ્સામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
અકસ્માતના પ્રથમ બનાવની વિગત એવી છે કે, શહેરના સરખેજ ગામ મહાકાળી માતાના ટેકરા પાસે રહેતા અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા વિજયભાઈ રતિલાલ સલાટનો મોટો દીકરો 16 વર્ષીય દીપક સાર્વજનિક સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો તેમજ જય ભવાની ક્લાસીસમાં ટ્યુશન જતો હતો. ગત 13 સપ્ટેમ્બરના રોજ દીપક ટ્યુશન જવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે સરખેજમાં જ રહેતો તેનો 15 વર્ષીય મિત્ર એક્ટિવા લઈને આવ્યો હતો અને દીપક તેની પાછળ સવાર થયો હતો. સ્કૂલના ગેટ નંબર-2 પાસેથી પસાર થતી વખતે ચાલકે અચાનક કાબૂ ગુમાવી દેતાં એક્ટિવા પૂરપાટ ઝડપે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ ગંભીર અકસ્માતમાં દીપકને માથાના ભાગે જીવલેણ હેમરેજ તેમજ મોં અને નાક પર ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન ટૂંકી જિંદગીનો કરુણ અંત આવ્યો હતો. આ મામલે ‘એમ’ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
અકસ્માતના બીજા બનાવની વિગત એવી છે કે, મૂળ સતલાસણાના ટીબા ગામના વતની અને હાલ કૃષ્ણનગર સ્થિત શ્રદ્ધા ફ્લેટમાં રહેતા 62 વર્ષીય રંગુસિંહ બદસિંહ ચૌહાણ ઠક્કરબાપાનગરના જંબુકા કોમ્પ્લેક્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ગત 26 સપ્ટેમ્બરની રાત્રે રંગુસિંહ સ્કાયલાઇન સિરામિક મોલ સામે આવેલા BRTS ટ્રેકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરીને કોરિડોરમાં બેફામ ઝડપે ધસી આવેલી એક ઓટોરિક્ષાના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં રંગુસિંહને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઈજાઓને પગલે સારવાર દરમિયાન તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બનાવ સંદર્ભે ‘જી’ ડિવિઝન ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.


