થરાદ, 28 સપ્ટેમ્બર, 2026 : Range Rover car hits bull and crashes into divider, killing two રાજ્યના ઘોરી માર્ગે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ થરાદ નજીક ભારતમાલા હાઈવે પર સર્જાયો હતો, રવિવારે વહેલી સવારે રાજકોટથી રાજસ્થાન તરફ પૂરફાટ ઝડપે જઈ રહેલી રેન્જરોવર કાર આખલાને ટક્કર મારીને હાઈવે પરના ડિવાઈડર સાથે અથડાતા કારમાં પ્રવાસ કરી રહેલા ત્રણ વ્યક્તિઓમાંથી બેના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, રાજકોટથી ત્રણ વ્યક્તિઓ રેન્જ રોવર કારમાં રાજસ્થાન જવા માટે નિકળ્યા હતા. રેન્જ રોવર કાર થરાદ-ડીસા ભારત માલા હાઈવે પર માલપુર પાસેથી પસાર થતી હતી ત્યારે અચાનક આખલો આડે આવતા રેન્જરોવર કાર આખલાં સાથે અથડાઈને સીધી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. કારના નાના ટુકડા સાથે માંસના લોચા પણ રોડ પર વિખેરાયા હતાં. આ બનાવથી દોડી આવેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. મૃતક યુવકોમાં એક અમરેલીનો અને બીજો રાજકોટનો હોવાનું જાણવા મળ્યુ છે. તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મૃતક યુવાનોના નામ રાજકોટના યુવરાજસિંહ અને અમરેલીના દિવ્યજીત હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ અકસ્માતના બનાવમાં હરદીપસિંહ નામના એક યુવાનને ગંભીર ઈજા થતાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
આ અકસ્માતના બનાવ બાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશમાં સુરક્ષિત માર્ગો પૂરા પાડવાની સાથે અમૃતસર-જામનગર હાઇવે પર પશુઓ નહીં આવે તેમજ વાહનચાલકોની સુરક્ષા જળવાશે તેવી ખાતરી આપી હતી. જોકે, સુરક્ષાના અભાવે આ માર્ગ પર વારંવાર ગોઝારા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. NHAIની ગંભીર ખામીઓના કારણે જ આજે બે લોકોએ જીવ ગુમાવ્યો છે. વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાઓના નામે મીંડું જોવા મળી રહ્યું છે.


