સુરેન્દ્રનગર, 21 જુન,2026 : PGVCL checks against power theft ઝાલાવાડમાં વીજચોરીને કારણે વીજ લાઈન લોસ વધી રહ્યો છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી અટકાવવા લીંબડી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વીજ વિભાગની 35 ટીમોએ પોલીસ સુરક્ષા સાથે સઘન ચેકિંગ હાથ ધરી કુલ 47 સ્થળોએ વીજ ચોરી ઝડપી પાડી હતી. આ અભિયાન દરમિયાન લીંબડી, ભલગામડા, છાડીયાળી, વાંઢાવછ, લીયાદ, રાસકા, બોડીયા, છતરીયાળા, મોજીદડ, ઓવનગઢ અને ગોખરવાળા સહિતના વિસ્તારોમાં 656 ઘરેલુ વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી સામે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વીજ તંત્રના અધિકારીઓના ચેકિંગ દરમિયાન 72 વીજ જોડાણોમાં ગેરરીતિઓ મળી આવી હતી, જ્યારે 47 સ્થળોએ સત્તાવાર કનેક્શન વગર ડાયરેક્ટ લાઈન મારફતે વીજળીનો ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહી માટે 23 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ સુરક્ષા માટે તૈનાત કરાયો હતો. તેમજ સમગ્ર પ્રક્રિયાનું દસ્તાવેજીકરણ કરવા માટે 5 વીડિયોગ્રાફરોની સેવા લેવામાં આવી હતી.
પીજીવીસીએલ દ્વારા તમામ જવાબદાર વ્યક્તિઓ સામે વીજ અધિનિયમ મુજબ કાર્યવાહી કરીને કુલ રૂ. 35.88 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વિભાગની આ કડક કાર્યવાહીથી વિસ્તારમાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પીજીવીસીએલ તંત્રએ આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ યથાવત્ રાખવાનો સંકેત આપ્યો છે.


