BSF હેડક્વાર્ટર બ્લાસ્ટ કેસમાં મુખ્ય શંકાસ્પદ ઝડપાયો, પાકિસ્તાની કનેક્શન ખુલ્યું
નવી દિલ્હી, 14 મે 2026: પંજાબના જાલંધર સ્થિત બીએસએફ ફ્રન્ટિયર હેડક્વાર્ટરની બહાર 5 મેની રાત્રે થયેલા આઈઈડી બ્લાસ્ટ કેસમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પંજાબ પોલીસ, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય એજન્સીઓના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકી કાવતરાના મુખ્ય શંકાસ્પદની દિલ્હીથી અટકાયત કરવામાં આવી છે.
તપાસ એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટ પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી અને ખાલિસ્તાની નેટવર્કનો હાથ હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ પાકિસ્તાની ડોન શહેઝાદ ભટ્ટી હોવાનું મનાય છે. ભટ્ટી સોશિયલ મીડિયા દ્વારા પંજાબના યુવકોનો સંપર્ક કરી તેમને આતંકી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરતો હોવાના પુરાવા મળ્યા છે. શંકાસ્પદ આરોપીને જાલંધર બસ સ્ટેન્ડથી ટ્રેક કરવામાં આવ્યો હતો. એજન્સીઓએ દિલ્હી સુધી તેનો પીછો કર્યો અને આખરે તેને દબોચી લીધો. હાલમાં સુરક્ષા એજન્સીઓ તેની સઘન પૂછપરછ કરી રહી છે જેથી આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નામો બહાર આવી શકે.
આ ઘટના બાદ પંજાબ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ આખા રાજ્યમાં સર્ચ ઓપરેશન તેજ કર્યું છે. નકોદર, કપૂરથલા, નવાશહેર, અમૃતસર અને હોશિયારપુર સહિતના વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 17 યુવકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ યુવકો સોશિયલ મીડિયા પર શહેઝાદ ભટ્ટીના સંપર્કમાં હતા. નવાશહેરથી પણ 3 યુવકોની અટકાયત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 5 મેની રાત્રે 8:15 વાગ્યે થયેલો આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બીએસએફ હેડક્વાર્ટરની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, હુમલાખોરે વિસ્ફોટ માટે રિમોટ કંટ્રોલનો ઉપયોગ કર્યો હતો. એક ડિલિવરી બોયની એક્ટિવા સ્કૂટી પાસે વિસ્ફોટક ભરેલું પાકીટ મૂકવામાં આવ્યું હતું. સફેદ ટી-શર્ટ પહેરેલો હુમલાખોર પાકીટ મૂકીને ગણતરીની મિનિટોમાં ગાયબ થઈ ગયો હતો. વિસ્ફોટ સ્થળથી માત્ર 10 ડગલાં દૂર પોલીસ નાકું હોવા છતાં હુમલાખોર ફરાર થવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચોઃ PM મોદીની અપીલને અનુસરી ગૂજરાત વિદ્યાપીઠમાં પર્યાવરણમૈત્રી પરિવહન તરફ સકારાત્મક પહેલ


