1. Home
  2. ગુજરાતી
  3. લખીમપુર-બહેરાઇચ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત
લખીમપુર-બહેરાઇચ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત

લખીમપુર-બહેરાઇચ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત

0
Social Share

લખનૌ, 18 મે 2026: ઉત્તર પ્રદેશના લખીમપુર-બહેરાઇચ નેશનલ હાઈવે પર સોમવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો છે. એક બેકાબૂ ટ્રક અને મેજિક વાહન (પેસેન્જર વાહન) વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં 10 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ લોકો મેજિક વાહનમાં સવાર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો કુરચો બોલી ગયો હતો અને ઘટનાને અંજામ આપ્યા બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માતની જાણ થતાં જ સ્થાનીય લોકો અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાઈવે પર લોહીના ખાબોચિયા અને ચીસાચીસ વચ્ચે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકની સીએચસી ખમરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યાં હાજર તબીબોએ ૯ લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય એક ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે ઓયલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો.

મળતી માહિતી મુજબ, મેજિક વાહન લખીમપુરથી સિસૈયા તરફ જઈ રહ્યું હતું, જ્યારે સામેથી આવી રહેલી ટ્રક બહેરાઇચ તરફથી આવી રહી હતી. વાહનમાં સવાર તમામ 10 લોકોના આ અકસ્માતમાં મોત નીપજ્યા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા 10 વ્યક્તિ પૈકી 9ની ઓળખ પ્રશાસન દ્વારા કરી લેવામાં આવી છે, જેમાં અદનાન અકીલખાન (ઉ.વ. 15, રહે, મુસ્લિમનગર રામાપુર), પપ્પુ દૂલન ગૌત્તમ (ઉ.વ. 18, રહે, દેવદત્તપુર, બહેરાઈચ), પવન સંતોષ (રહે, મઝરા, બહેરાઈચ), પવનનો ભાઈ સંતોષ (ઉ.વ. 21), રાજેશ મણિલાલ ગોયલ ( રહે મહપુરવા, બહેરાઈચ), સહજરામ છોટેલાલ (ઉ.વ. 35), જયવીરસિંહ પેશકારસિંહ, ગાયત્રી રમેશચંદ્ર ગુપ્તા અને ઝુલેખા હબીબનો સમાવેશ થાય છે.

આ ભયાનક દુર્ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિતના તમામ ઉચ્ચ વહીવટી અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ હોસ્પિટલની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને પોલીસને ફરાર ટ્રક ચાલકને વહેલી તકે પકડી પાડવા અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. અકસ્માતને પગલે મૃતકોના પરિવારોમાં ભારે આક્રંદ છવાઈ ગયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code