મોંઘી દવાઓથી મળશે રાહત: બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદય રોગ સહિતની 39 નવી દવાઓના રિટેલ ભાવ નક્કી કરાયાં
નવી દિલ્હી, 11 જુલાઈ 2026: સામાન્ય જનતાને આરોગ્ય સેવાઓ સસ્તી પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ સત્તામંડળ (NPPA) એ ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO), 2013 હેઠળ 39 નવી દવાઓના ફોર્મ્યુલેશનના મહત્તમ છૂટક ભાવ (રિટેલ પ્રાઇસ) નક્કી કર્યા છે. આ યાદીમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એચઆઈવી (HIV), હૃદય રોગ અને આંખના ચેપ (ઇન્ફેક્શન)ની મહત્વની દવાઓનો સમાવેશ થાય છે.
- નવી નોટિફિકેશન મુજબ ભાવ નીચે મુજબ નક્કી કરાયા છે…
એમલોડિપાઇન + બિસોપ્રોલોલ + ટેલ્મિસાર્ટન ટેબ્લેટ: રૂ. 14.74 પ્રતિ ટેબ્લેટ
નેપાફેનાક + મોક્સિફ્લોક્સાસીન ઓપ્થેલ્મિક સોલ્યુશન (આઈ ડ્રોપ્સ): રૂ. 68.64 પ્રતિ મિલીલીટર
ક્લોપિડોગ્રેલ + એસ્પિરિન + એટોરવાસ્ટેટિન કેપ્સ્યુલ: રૂ. 6.37 પ્રતિ કેપ્સ્યુલ
- નિયમોનું ઉલ્લંઘન કરનાર મેડિકલ સ્ટોર્સ અને કંપનીઓ સામે કડક કાર્યવાહી
NPPA એ સ્પષ્ટ કર્યું છે કે આ ભાવ નિયંત્રણ ઓર્ડર છે, ભાવ ઘટાડાનો ઓર્ડર નથી. તમામ રિટેલર્સ અને ડીલરોએ ઉત્પાદકો દ્વારા આપવામાં આવેલી પ્રાઇસ લિસ્ટ ગ્રાહકો જોઈ શકે તે રીતે દુકાનના મુખ્ય ભાગમાં પ્રદર્શિત કરવી ફરજિયાત રહેશે. જો કોઈ ફાર્માસ્યુટિકલ કંપની કે મેડિકલ સ્ટોર આ નિયમોનું ઉલ્લંઘન કરીને વધુ કિંમત વસૂલશે, તો ‘આવશ્યક વસ્તુઓ ધારો, ૧૯૫૫’ હેઠળ વ્યાજ સહિત વસૂલાત અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.


