હિંદ મહાસાગરમાં શાંતિ અને સ્થિરતાની સૌથી મોટી ગેરંટી ભારત છે: રાજનાથ સિંહ
વિશાખાપટ્ટનમ, 11 જુલાઈ 2026: દેશના દરિયાઈ હિતોની સુરક્ષામાં ભારતીય નૌસેનાની ભૂમિકાની પ્રશંસા કરતા રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાની સૌથી મોટી જવાબદારી ભારત ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી રહ્યું છે. આ દરમિયાન તેમણે જાહેરાત કરી કે સ્વદેશી પ્રોજેક્ટ-17એ હેઠળ બનેલા છઠ્ઠા અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ યુદ્ધજહાજ ‘મહેન્દ્રગિરી’ ને ભારતીય નૌસેનાના બેડામાં સામેલ કરવામાં આવશે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે નૌસેનાના જવાનોને સંબોધિત કરતા રક્ષામંત્રીએ કહ્યું કે, ભારતનો મોટાભાગનો વેપાર દરિયાઈ માર્ગો દ્વારા થાય છે. દેશની ઊર્જા સુરક્ષા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (EEZ) અને દ્વીપીય વિસ્તારોની સુરક્ષા સંપૂર્ણપણે મજબૂત દરિયાઈ સુરક્ષા પર નિર્ભર છે. તેથી દરિયાઈ સુરક્ષા એ ભારતના આર્થિક વિકાસ માટે કરોડરજ્જુ સમાન છે.
- વધતી જતી ભૌગોલિક-રાજકીય હરીફાઈ વચ્ચે સતર્કતા જરૂરી
રાજનાથ સિંહે બદલાતા વૈશ્વિક સુરક્ષા પરિદ્રશ્ય અને વિદેશી શક્તિઓની વધતી જતી દખલગીરી અંગે ચેતવણી આપતા કહ્યું કે, દરિયાઈ ક્ષેત્રમાં પહેલા કરતા વધુ સતર્કતા જરૂરી બની ગઈ છે. ‘મહેન્દ્રગિરી’ યુદ્ધજહાજનો સમાવેશ એ સંરક્ષણ ક્ષેત્રે ભારતની ‘આત્મનિર્ભરતા’ અને સ્વદેશી શિપબિલ્ડિંગ ઉદ્યોગની એક ઐતિહાસિક સિદ્ધિ છે.


