વૈશ્વિક સ્તરે ભારતીય વાયુસેનાનો દબદબો: ચીનને પછાડી વિશ્વમાં સતત ત્રીજા સ્થાને યથાવત
નવી દિલ્હી, 11 જુલાઈ 2026: વૈશ્વિક સૈન્ય ક્ષેત્રે ભારત માટે વધુ એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટરી એરક્રાફ્ટની વર્ષ 2026 ની તાજી રેન્કિંગમાં ભારતીય વાયુસેનાએ વિશ્વની સૌથી શક્તિશાળી વાયુસેનાઓમાં પોતાનું ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે. આ સતત પાંચમો એવો આંકડો છે જેમાં ભારતીય વાયુસેના ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ કરતા આગળ રહી છે. વૈશ્વિક સ્તરે હવે માત્ર અમેરિકા અને રશિયા જ ભારતથી આગળ છે.
-
માત્ર સંખ્યા નહીં, ‘ટ્રુ વેલ્યુ રેટિંગ’ ના આધારે મૂલ્યાંકન
WDMMA દર વર્ષે 103 દેશોની 129 વાયુસેનાઓ અને 48 હજારથી વધુ સૈન્ય વિમાનોનું બારીકાઈથી વિશ્લેષણ કરે છે. આ રેન્કિંગ માત્ર વિમાનોની સંખ્યા પર નહીં, પરંતુ સંસ્થાની ‘ટ્રુ વેલ્યુ રેટિંગ’ પ્રણાલી પર આધારિત હોય છે. જેમાં કાફલાની વિવિધતા, તકનીકી ક્ષમતા, લોજિસ્ટિક સપોર્ટ, આધુનિકીકરણ, એરબોર્ન અર્લી વોર્નિંગ સિસ્ટમ અને ભવિષ્યની સંરક્ષણ ખરીદી આયોજન જેવા મહત્વના પાસાઓ જોવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર, ભારતીય વાયુસેના પાસે હાલમાં કુલ 1716 વિમાનો સક્રિય છે, જેમાં 542 લડાકુ વિમાનો (સાત વિવિધ પ્રકારના, જેમાં સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં નિવૃત્ત થયેલા મિગ-૨૧ના ડેટા એનાલિસિસનો પણ સમાવેશ થાય છે), 498 હેલિકોપ્ટર (જેમાં ૨૨૨ Mi-17 અને ૧૧૧ સ્વદેશી HAL ધ્રુવ તથા રુદ્ર પ્લેટફોર્મ સામેલ છે) તેમજ 282 પરિવહન વિમાનો, 374 તાલીમ વિમાનો અને 20 સ્પેશિયલ મિશન વિમાનો (હવામાં ઈંધણ ભરતા ટેન્કર્સ અને અવાક્સ વિમાનો) સમાવેશ થાય છે.
જ્યારે વિશ્વની સૌથી શક્તિશાળી ગણાતી અમેરિકી વાયુસેના (USAF) ના કાફલામાં 32 ટકા હિસ્સો શુદ્ધ લડાકુ વિમાનોનો અને 14 ટકા હિસ્સો ખાસ મિશન આધારિત વિમાનોનો છે. ભારતીય વાયુસેનાની આ ઉપલબ્ધિ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ભારતની મજબૂત સૈન્ય પકડ દર્શાવે છે.


