1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ચૂંટણી પંચનું જાહેરનામું
રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ચૂંટણી પંચનું જાહેરનામું

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 10 રાજ્યોની 24 બેઠકો માટે 18 જૂને મતદાન, ચૂંટણી પંચનું જાહેરનામું

0
Social Share

નવી દિલ્હી, 22 મે 2026: કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટેની ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ તમામ 24 બેઠકો પર આગામી 18 જૂન 2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચના નિવેદન અનુસાર, આ 10 રાજ્યોના વર્તમાન રાજ્યસભા સાંસદો આગામી 21જૂનથી 19 જુલાઈ દરમિયાન અલગ-અલગ તારીખોએ નિવૃત્ત થઈ રહ્યા છે, જેના કારણે ખાલી પડનારી બેઠકો ભરવા માટે આ ચૂંટણી યોજાઈ રહી છે.

આ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં છે. ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકની ચાર-ચાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ત્રણ-ત્રણ, ઝારખંડની બે તેમજ મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને મિઝોરમની એક-એક બેઠક ખાલી થઈ રહી છે. આ વખતે રાજ્યસભામાંથી દેશના અનેક કદાવર નેતાઓ નિવૃત્ત થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને પૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગૌડા જેવા અગ્રણી નામો સામેલ છે. આ ઉપરાંત રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો પણ ખાલી થવા જઈ રહી છે. ગુજરાતની 4 બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આંતરિક ગણિત મંડાવવાના શરૂ થઈ ગયા છે.

ચૂંટણીપંચ દ્વારા 1 જૂનના રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવશે. 8મી જુન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 11મી જૂન સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે અને 18મી જૂનના રોજ સવારે 9થી બપોરના 4 વાગ્યા સુધી મતદાન યોજાશે. જે બાદ મતણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે મતદાન પ્રક્રિયાને લઈને અત્યારથી જ વિશેષ અને કડક માર્ગદર્શિકા જારી કરી દીધી છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાન દરમિયાન ધારાસભ્યોએ માત્ર રિટર્નિંગ ઓફિસર દ્વારા આપવામાં આવેલી જાંબલીરંગની ખાસ સ્કેચ પેન નો જ ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ ધારાસભ્ય અન્ય કોઈ પેનથી મત આપશે, તો તેમનો મત અમાન્ય (રદ) ગણવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શી રીતે પૂર્ણ થાય તે માટે વિશેષ નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવશે.

આ પણ વાંચોઃ દિલ્હી કોર્ટે IRCTC હોટેલ કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદ યાદવ પરનો ચુકાદો મુલતવી રાખ્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code