ગ્લાસગો ખાતે 2026 કોમનવેલ્થ ગેમ્સનું સમાપન, ભારતે જીત્યા 39 મેડલ
નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત 11 દિવસીય કોમનવેલ્થ ગેમ્સ 2026 નો રંગારંગ અને ભવ્ય સમારોહ સાથે અંત આવ્યો છે. આ સમાપન સમારોહમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી, જ્યારે સત્તાવાર રીતે 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજનની જવાબદારી ભારતને સોંપવામાં આવી. આ સાથે જ અમદાવાદમાં યોજાનાર શતાબ્દી સંસ્કરણ માટેનું કાઉન્ટડાઉન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે.
ગ્લાસગોના હાઇડ્રો એરેના ખાતે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં સ્કોટલેન્ડથી ભારતને યજમાન અધિકારોનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપરા અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પી.ટી. ઉષાની વિશેષ ઉપસ્થિતિમાં કોમનવેલ્થ ધ્વજ ભારતને અર્પણ કરવામાં આવ્યો હતો. ધ્વજ સ્વીકાર્યા બાદ ભારતે વિશ્વ સમક્ષ “અમદાવાદ 2030” ની ભવ્ય ઝલક રજૂ કરી હતી. પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન અને અભિનેત્રી માનુષી છિલ્લરે “વંદે માતરમ” અને “વસુધૈવ કુટુમ્બકમ” ની થીમ પર આધારિત અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન રજૂ કરી ભારતીય વારસાની મનમોહક છાપ છોડી હતી.
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે આ ગેમ્સ અત્યંત સફળ રહી હતી. ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા બોક્સિંગ, એથ્લેટિક્સ, વેઇટલિફ્ટિંગ અને શૂટિંગ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં કુલ 39 મેડલ (13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ) પોતાના નામે કર્યા અને મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું. સમાપન સમારોહ દરમિયાન સ્વર્ણ વિજેતા બોક્સર જાસ્મિન લેમ્બોરિયાએ ભારતીય ત્રિરંગો સંભાળીને ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. પરેડમાં તમામ 74 કોમનવેલ્થ દેશો અને પ્રદેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો
ગ્લાસગો 2026 આયોજન સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બ્લેકે ભારતને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, બે મહાન નદી કિનારાના શહેરો વચ્ચે આ જવાબદારીનું હસ્તાંતરણ ગર્વની વાત છે. એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ એડવર્ડે ગેમ્સની સત્તાવાર સમાપ્તિની જાહેરાત કરી તમામ ખેલાડીઓને ચાર વર્ષ પછી અમદાવાદમાં મળવાનું આમંત્રણ પાઠવ્યું. હવે જ્યારે કોમનવેલ્થ ધ્વજ ભારતના હાથમાં છે, ત્યારે વિશ્વની નજર અમદાવાદ 2030 પર ટકેલી છે, જ્યાં કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી આવૃત્તિ યોજાશે. ભારત માટે આ માત્ર એક યજમાનીની તક જ નહીં પરંતુ વૈશ્વિક રમતગમતના પાવરહાઉસ તરીકે તેની ઓળખ અને ક્ષમતા દર્શાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પણ હશે.


