નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દેશભરમાં પોતાની તપાસ પ્રણાલીને વધુ ઝડપી અને વ્યાપક બનાવવા માટે સંગઠનાત્મક માળખામાં મોટા પાયે ફેરફાર કરવા જઈ રહ્યું છે. 1 જાન્યુઆરી 2027 થી લાગુ થનારા આ નવા માળખા હેઠળ મની લોન્ડરિંગના કેસોની તપાસ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ના 50 ઝોન અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) માટે 5 અલગ ઝોન બનાવવામાં આવશે. આ પુનર્ગઠનનો મુખ્ય હેતુ મની લોન્ડરિંગ અને આર્થિક ગુનાઓની તપાસનો સમયગાળો જે હાલ 4 થી 5 વર્ષ સુધી ચાલે છે તેને ઘટાડીને આશરે દોઢ વર્ષ કરવાનો છે. આ મોટા ફેરફાર બાદ ઈડીમાં મંજૂર થયેલા કર્મચારીઓના પદોની સંખ્યા 2,029 થી વધીને 3,256 થઈ જશે. આ ઉપરાંત સંસ્થાની ફંક્શનલ યુનિટ્સની સંખ્યા પણ 131 થી વધીને 241 કરવાની યોજના છે. ફેમા માટે પ્રસ્તાવિત 5 મુખ્ય ઝોન દિલ્હી, ચંડીગઢ, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ ખાતે કાર્યરત કરવામાં આવશે.
સંસ્થાની પ્રાદેશિક હાજરી મજબૂત કરવાના હેતુથી ‘પ્રોજેક્ટ પ્રવર્તન ભવન’ હેઠળ દેશના એવા તમામ 39 શહેરોમાં પોતાના કાયમી કાર્યાલયો ઊભા કરવામાં આવશે જ્યાં હાલ ઈડીનુ કામકાજ ચાલી રહ્યું છે. આ તમામ કાર્યાલયો 31 માર્ચ 2029 સુધીમાં તૈયાર કરી દેવાની યોજના બનાવવામાં આવી છે, જેથી તપાસ અધિકારીઓને વધુ સારી માળખાકીય સુવિધાઓ પૂરી પાડી શકાય.
-
જોનલ ઓફિસર્સની ત્રિમાસિક પરિષદ
બેંગલુરુ ખાતે 14-15 સપ્ટેમ્બરના રોજ આયોજિત ઈડીની 36 મી જોનલ ઓફિસર્સની ત્રિમાસિક પરિષદમાં તપાસ પ્રક્રિયાને આધુનિક બનાવવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. હવેથી તપાસમાં NATGRID, ઇન્ટર-ઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, કોર્પોરેટ બાબતો અને ઈમિગ્રેશનના ડેટાબેઝ, ડિજિટલ કરન્સી વ્યવહારો તેમજ ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટથી મળતી માહિતીનો સીધો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય સાયબર ગુનાઓની તપાસ માટે અદ્યતન ફોરેન્સિક ટૂલ્સ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સહયોગથી સ્થાનિક પ્રયોગશાળાઓમાં નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.
હાલના સત્તાવાર માળખા મુજબ ઈડી 5 રીજન, 27 ઝોન અને 18 સબ-ઝોન દ્વારા કામગીરી કરે છે. બીજી તરફ, મની લોન્ડરિંગ કેસોમાં સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટે પણ ઈડીની એડજ્યુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ પેન્ડિંગ કેસો અંગે સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે ટાંક્યું છે કે જો કાયદા મુજબ 180 દિવસમાં કેસોનો નિકાલ કરવાનો હોય તો વધુ પડતા પેન્ડિંગ કેસો વચ્ચે યોગ્ય નિર્ણય કેવી રીતે લઈ શકાશે, જેના કારણે આ નવું સંગઠનાત્મક માળખું વધુ મહત્વપૂર્ણ બની જાય છે.


