Homerevoinewsમાણો મકાઈના લોટની કુરકુરી પૂરીની મજા: પરફેક્ટ સોફ્ટનેસ અને સ્વાદ માટે અપનાવો...

માણો મકાઈના લોટની કુરકુરી પૂરીની મજા: પરફેક્ટ સોફ્ટનેસ અને સ્વાદ માટે અપનાવો આ સરળ રેસિપી

શિયાળાની ઋતુ શરૂ થતાં જ ઘરોમાં મકાઈના લોટમાંથી બનતી વાનગીઓની માંગ વધી જતી હોય છે. સામાન્ય રીતે લોકો મકાઈના રોટલા બનાવતા હોય છે, પરંતુ જો તમે કઈંક નવું અને સ્વાદિષ્ટ ટ્રાય કરવા માંગતા હોવ, તો મકાઈના લોટની પૂરી એક શ્રેષ્ઠ વિકલ્પ છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ પૂરી બટાકાનું શાક, દહીં કે અથાણાં સાથે અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. મકાઈના લોટમાં ગ્લુટેન ન હોવાને કારણે તે ઘઉંના લોટની જેમ સરળતાથી બાંધી કે વણી શકાતો નથી. જોકે, યોગ્ય રીત અને થોડી સાવચેતીથી ઘરમાં જ પરફેક્ટ મકાઈની પૂરી બનાવી શકાય છે.

  • જરૂરી સામગ્રી

મકાઈનો લોટ: 2 કપ
અજમો: 1 ચમચી
મીઠું: 1/2 ચમચી (અથવા સ્વાદ મુજબ)
તેલ કે ઘી: 1 મોટો ચમચો (મોણ માટે)
ગરમ પાણી: જરૂરિયાત મુજબ

  • બનાવવાની રીત

એક મોટા વાસણમાં મકાઈનો લોટ લઈ તેમાં મીઠું, અજમો અને એક ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડું-થોડું ગરમ પાણી ઉમેરીને લોટ બાંધો. મકાઈનો લોટ પાણી ઝડપથી સોષે છે, તેથી પાણી એકસાથે ન ઉમેરવું. લોટ બંધાઈ ગયા પછી તેને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને રાખી દો. લોટ બહુ કઠણ કે બહુ ઢીલો ન હોવો જોઈએ. લોટમાંથી નાના-નાના લૂઆ (ગુલ્લા) બનાવી લો. મકાઈનો લોટ વણતી વખતે તૂટી જતો હોવાથી, પ્લાસ્ટિક શીટ, બટર પેપર કે ભીના કપડાની વચ્ચે લૂઓ મૂકીને હળવા હાથે હાથથી દબાવીને પૂરીનો આકાર આપો. પૂરી બહુ પાતળી ન બનાવવી, તેને મધ્યમ જાડી રાખવી. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મધ્યમ ગરમ થાય એટલે કાળજીપૂર્વક પૂરી તેલમાં મૂકો. ઝારા વડે હળવેથી દબાવતા જ પૂરી ફૂલવા લાગશે, ત્યારબાદ તેને પલટાવી દો. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને કુરકુરી થાય ત્યાં સુધી તળીને પ્લેટમાં કાઢી લો.

  • કોની સાથે પીરસવી?

ગરમાગરમ મકાઈની પૂરીને તમે બટાકાનું રસાવાળું શાક, મિક્સ વેજ, મોળું દહીં, લીલી ચટણી કે અથાણાં સાથે પીરસી શકો છો. શિયાળાની સવારે કે સાંજે ગરમ ચા સાથે પણ આ પૂરીનો સ્વાદ અદ્ભુત લાગે છે.

  • ધ્યાન રાખવા જેવી મહત્વની બાબતો

ગરમ પાણીનો ઉપયોગ: લોટ બાંધવા માટે હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવો, જેથી લોટમાં સોફ્ટનેસ જળવાઈ રહે.
તેલનું તાપમાન: તેલ બહુ ઠંડું હશે તો પૂરી તેલ પી જશે અને વધુ પડતું ગરમ હશે તો બહારથી જલ્દી લાલ થઈ જશે પણ અંદરથી કાચી રહેશે. તેથી તેલને મધ્યમ આંચ પર જ ગરમ રાખવું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular