મુંબઈ, 31 ઓક્ટોબર 2026: કુખ્યાત ગેંગસ્ટર છોટા રાજનને આશરે 17 વર્ષ જૂના હત્યાના પ્રયાસના એક ગંભીર કેસમાં રાહત મળી છે. મુંબઈમાં સીબીઆઈની વિશેષ અદાલતે વર્ષ 2009માં પુણેના શિવસેના નેતા અજય ભોસલે પર થયેલા કથિત જીવલેણ હુમલાના કેસમાં છોટા રાજન સહિત પાંચેય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે. કોર્ટે તમામ આરોપીઓ સામેના હત્યાનો પ્રયાસ, ગુનાહિત કાવતરું અને આર્મ્સ એક્ટ હેઠળના તમામ આરોપો રદ કર્યા છે. આ કેસમાંથી મુક્ત થનારા અન્ય આરોપીઓમાં પુણેના બિલ્ડર સુરેન્દ્રકુમાર અગ્રવાલ, મોહમ્મદ ખાન, વિજય તાંબોટ અને રાજેશ યાદવનો સમાવેશ થાય છે. જોકે, અદાલતે આરોપીઓને કયા આધારે મુક્ત કર્યા છે તેનો વિગતવાર ઓર્ડર હજુ જાહેર કર્યો નથી.
70 વર્ષીય છોટા રાજન હાલ સુરક્ષા કારણોસર દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેણે અદાલતી કાર્યવાહીમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભાગ લીધો હતો. આ કેસમાં તેને ગત વર્ષે જ જામીન મળી ચૂક્યા હતા, પરંતુ પત્રકાર જે. ડે.ની 2011 માં થયેલી હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હોવાના કારણે તે જેલમાંથી મુક્ત નહીં થાય. આ ઘટના 11 ઓક્ટોબર 2009ની છે. આરોપ હતો કે છોટા રાજનના બે કથિત સાથીઓએ પુણેમાં શિવસેના નેતા અજય ભોસલેની કાર પર અંધાધૂંધ ગોળીબારી કરી હતી. આ હુમલામાં અજય ભોસલે તો બચી ગયા હતા, પરંતુ તેમના ડ્રાઇવરને ગોળી વાગવાથી ઈજાઓ થઈ હતી. સરકારી વકીલના જણાવ્યા મુજબ, આ હુમલા પાછળનું મુખ્ય કારણ પુણેના બિલ્ડર સુરેન્દ્રકુમાર અગ્રવાલ, આર.કે. અગ્રવાલ અને વી.કે. અગ્રવાલ વચ્ચે ચાલી રહેલો મિલકતનો વિવાદ હતો. તપાસ એજન્સીઓનો દાવો હતો કે સુરેન્દ્રકુમારે વિવાદ ઉકેલવા અને પ્રોપર્ટીમાં પોતાનો હિસ્સો મેળવવા માટે વિજય તાંબોટનો સંપર્ક કર્યો હતો, જેના તાર ગેંગસ્ટર છોટા રાજન સાથે જોડાયેલા હતા.
-
રાજન પર ધમકીઓ આપવાનો અને પચાસથી વધુ ફોન કૉલ કરવાનો હતો આરોપ
પ્રોસિક્યુશને એવો દાવો કર્યો હતો કે, છોટા રાજને આર.કે. અગ્રવાલને ફોન પર ધમકીઓ આપી હતી. માર્ચથી મે 2009 વચ્ચે અજય ભોસલેને પણ રાજનની તરફથી 50 થી વધુ ધમકીભર્યા ફોન કૉલ કરવામાં આવ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓનું માનવું હતું કે રાજનને શંકા હતી કે ભોસલે પ્રોપર્ટી વિવાદમાં સમજૂતી કરવામાં અડચણરૂપ બની રહ્યા છે, જેના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ મામલાની તપાસ શરૂઆતમાં પુણે પોલીસ, ત્યારબાદ મહારાષ્ટ્ર સીઆઈડી અને વર્ષ 2015 માં છોટા રાજનના ભારતમાં પ્રત્યાર્પણ પછી સીબીઆઈને સોંપવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ હુમલામાં છોટા રાજનની સંડોપ્તિ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા ઉપલબ્ધ નથી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે તમામ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.


