નવી દિલ્હી, 31 ઓક્ટોબર 2026: અમેરિકાના અટલાન્ટા ખાતે યોજાયેલી જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને લઈને સ્પષ્ટ અવાજ ઉઠાવ્યો છે. તેમણે ખાતરીપૂર્વક જણાવ્યું છે કે, કોઈપણ વૈશ્વિક સમસ્યાનો કાયમી ઉકેલ લશ્કરી કાર્યવાહીથી શક્ય નથી, તેથી કૂટનીતિને પૂરતી તક મળવી જોઈએ. બેઠક દરમિયાન તેમણે દરિયાઈ માર્ગો પર જહાજો અને નાવિકો પર વધી રહેલા હુમલાઓ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વિદેશ મંત્રીએ નાગરિક જહાજો અને નાવિકોને નિશાન બનાવવાની ઘટનાઓને વખોડી કાઢી જણાવ્યું કે આ હુમલાઓની સૌથી માઠી અસર વિકાસશીલ દેશો પર પડી રહી છે. દરિયાઈ અસુરક્ષાને કારણે ઈંધણ, ખાદ્ય સામગ્રી અને ખાતરની ઉપલબ્ધતા ખોરવાઈ છે, જેનાથી મોંઘવારી અને વૈશ્વિક સ્તરે કિંમતોનું દબાણ સતત વધી રહ્યું છે. આ સંદર્ભમાં તેમણે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાનૂન હેઠળ નૌવહનની સ્વતંત્રતા પર ભાર મૂક્યો હતો અને નાવિકોની સુરક્ષા માટે ભારત તથા લાઇબેરીયા દ્વારા સંયુક્ત પગલાં લેવાયા હોવાની માહિતી પણ આપી હતી.
-
આતંકવાદ સામે કડક ચેતવણી
વૈશ્વિક વેપાર અંગે વાત કરતા એસ. જયશંકરે બજારમાં માલસામાનની વધુ પડતી આવક, સપ્લાય ચેઈનનો હથિયાર તરીકે ઉપયોગ અને વેપારી અસંતુલનને વિકાસશીલ દેશોના ઔદ્યોગિકરણના અધિકાર માટે નુકસાનકારક ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની વ્યાપારી બાધાઓ તાત્કાલિક દૂર થવી જોઈએ. આ ઉપરાંત, આતંકવાદના મુદ્દે કોઈપણ દેશનું નામ લીધા વગર તેમણે ચેતવણી આપી હતી કે વ્યૂહાત્મક હિતો ખાતર આતંકવાદની ક્યારેય ઉપેક્ષા ન કરવી જોઈએ, કારણ કે આતંકવાદ એક જોખમી રમત છે અને તેને પ્રોત્સાહન આપનારાઓને પણ અંતે તેના માઠા પરિણામો ભોગવવા જ પડે છે.
આ બેઠકની યજમાની કરી રહેલા અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ દરિયાઈ અને ખાદ્ય સુરક્ષાને આર્થિક સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસીય જી-20 વિદેશ મંત્રીઓની આ બેઠક શનિવારે સમાપ્ત થશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, એસ. જયશંકર આ બેઠક દરમિયાન ‘ક્વાડ’ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ ભાગ લેશે તેમજ વિવિધ વૈશ્વિક સહયોગ અંગે અન્ય દેશોના નેતાઓ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો યોજશે.


