એકતાનગર, 28 ઓક્ટોબર, 2026 : 85 tribal women employed through ‘Pink E-Auto Project’ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવાસન વિકાસની સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓના આર્થિક સશક્તિકરણનું પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળી રહ્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવાની સાથે સ્થાનિક લોકોને રોજગારીની તકો પૂરી પાડવાના અભિગમ હેઠળ શરૂ કરવામાં આવેલો ‘પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ’ આદિવાસી મહિલાઓ માટે આત્મનિર્ભરતાની નવી રાહ બની રહ્યો છે. આ પહેલ હેઠળ એકતાનગરની આસપાસનાં છ ગામની કુલ ૮૫ મહિલાઓને ઈ-ઓટો ચલાવવાની તક મળી છે, જેના માધ્યમથી તેઓ રોજગારી મેળવી આર્થિક રીતે સ્વાવલંબી બનવાની દિશામાં આગળ વધી રહી છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસન ક્ષેત્રે સ્થાનિક મહિલાઓની ભાગીદારી વધારવાની સાથે તેમને રોજગારીની નવી તકો પૂરી પાડવાનો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંચાલન દ્વારા પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે હાથ ધરવામાં આવેલી આ પહેલમાં મહિલાઓને ઈ-ઓટો ચલાવવા માટે વિશેષ તાલીમ આપવામાં આવી છે. સાથે જ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવામાં જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. તાલીમ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાઓને વિશેષ ‘પિંક ઈ-ઓટો’ ફાળવવામાં આવી છે, જે એકતાનગર અને આસપાસના પ્રવાસન વિસ્તારોમાં પ્રવાસીઓની અવરજવર માટે ઉપયોગી બની રહી છે.
સામાન્ય રીતે પરિવારમાં આર્થિક જવાબદારી નિભાવવાની સાથે ઘરકામ અને અન્ય સામાજિક જવાબદારીઓ સંભાળતી મહિલાઓ માટે સ્વતંત્ર આવકનું સાધન ઊભું થવું એ સશક્તિકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. પિંક ઈ-ઓટો પ્રોજેક્ટ દ્વારા આદિવાસી મહિલાઓને પોતાની આવડત અને મહેનતના આધારે રોજગારી મેળવવાની તક મળી છે. આ પહેલ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે તેમને પરિવારની આર્થિક પ્રગતિમાં યોગદાન આપવા સક્ષમ બનાવે છે. છ ગામની ૮૫ મહિલાઓને રોજગારી સાથે જોડવાનો આ પ્રયાસ સ્થાનિક સ્તરે મહિલા સશક્તિકરણનું નોંધપાત્ર ઉદાહરણ બની રહ્યો છે.


