ભૂજ, 15 સપ્ટેમ્બર, 2026ઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના હિન્દી વિભાગ દ્વારા “હિન્દી પખવાડિયા” અંતર્ગત એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસમાં હિન્દી વિભાગના પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉપરાંત તોલાણી કૉલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સનાં દ્વિતીય વર્ષનાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
આ શૈક્ષણિક પ્રવાસમાં વિદ્યાર્થીઓએ મુખ્યત્વે પ્રસિદ્ધ વ્રજભાષા પાઠશાળાના સાહિત્યિક મહત્ત્વ, આયના મહેલ અને પ્રાગ મહેલ સાથે જોડાયેલાં પ્રાચીન પુસ્તકાલય અને કળા વિશે જાણકારી મેળવી હતી. પ્રવાસની શુરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓ ભુજનાં આશાપુરા મંદિરે દર્શન કરીને કરી હતી. ત્યારબાદ ડિંગલ પિંગલ પરંપરા અને સાહિત્ય સાથે જોડાયેલા મહારાવ લખપતજીના સાહિત્ય પ્રેમ અને વ્રજભાષાને આપવામાં આવેલા સંરક્ષણ તથા કાવ્યશાસ્ત્રના મુખ્ય કેન્દ્ર એટલે કે ભારતની પ્રથમ પ્રાચીન સાહિત્યિક પાઠશાળા ‘વ્રજભાષા પાઠશાળા’ ની મુલાકાત અને માહિતી મેળવી હતી.

વિદ્યાર્થીઓએ ઇન્ડો-યુરોપિયન સ્થાપત્ય શૈલીમાં બનેલા આયના મહેલની વાસ્તુકળા, પુરાતન વસ્તુઓ, ચિત્રો, શસ્ત્રો અને સિંહાસન વગેરેની માહિતી મેળવી હતી. ત્યારબાદ પ્રાગમહેલ ખાતે પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે પાઠશાળાના ઇતિહાસ અને ચારણી સાહિત્ય અંગે જ્ઞાનવર્ધક સંવાદ કર્યો.
કવિ અને કચ્છ જીલ્લાના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીએ વિદ્યાર્થીઓને વ્રજભાષા પાઠશાળામાં ચાલતા વિષયો, અભ્યાસક્રમ, પુસ્તકોથી માહિતીગાર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વ્રજભાષા પાઠશાળા સાથે જોડાયેલા સાહિત્ય પર સંશોધન કરવા તરફ માર્ગ દોર્યો. હિન્દી સાહિત્ય સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ સમક્ષ અનુસંધાનના નવા દ્વાર ખુલ્યા.
સમગ્ર વ્યાખ્યાન તથા પુસ્તકાલયની મુલાકાતનાં આયોજનમાં પ્રાગ મહેલનાં સંગ્રહાલય વ્યવસ્થાપક દલપતભાઈ દાણીધારિયા તથા મહેશભાઈનો ભાવભર્યો સહકાર રહ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કચ્છ યુનિવર્સિટીનાં હિન્દી વિભાગનાં અધ્યક્ષ ડૉ. પંકજ ઠાકરના માર્ગદર્શન હેઠળ મુલાકાતી પ્રાધ્યાપકો રેખા રાવલ, અંજના રામાનંદી તથા ડૉ. વિનોદ કટુવાએ કર્યું હતું.


