1. Home
  2. ગુજરાતી
  3. અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, બેંક કૌભાંડમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ
અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, બેંક કૌભાંડમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ

અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, બેંક કૌભાંડમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ

0
Social Share

મુંબઈ, 30 મે 2026: દેશના જાણીતા રિલાયન્સ એડીએ ગ્રુપ સામેની કથિત છેતરપિંડીના મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ કડક વલણ અપનાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 2,929.05 કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ 16 લોકો સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. આ કાર્યવાહી બાદ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે સીબીઆઈએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ અને અનિલ અંબાણી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ બેંક સાથે મળીને ભંડોળનો દૂરુપયોગ અને ગેરરીતિ આચરી હતી, જેના કારણે બેંકને રૂ. 2,929.05 કરોડનું જંગી નુકસાન થયું હતું.

મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ ચાર્જશીટમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડના મુખ્ય અધિકારીઓ, એસબીઆઈ, બેંક ઓફ મહારાષ્ટ્ર અને સિન્ડિકેટ બેંકના તત્કાલિન 10 જેટલા સિનિયર અધિકારીઓના નામનો ઉલ્લેખ કરાયો છે. સીબીઆઈ તપાસમાં બહાર આવ્યું છે કે, એસબીઆઈ દ્વારા મંજૂર કરાયેલ રૂ. 1,200 કરોડની ટર્મ લોન, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા મંજૂર રૂ. 500 કરોડની લેટર ઓફ ક્રેડિટ તથા સિન્ડિકેટ બેંક દ્વારા મંજૂર રૂ. 350 કરોડની લેટર ઓફ ક્રેડિટ મેળવીને ગેરરીતિ આચરવામાં આવી હતી.

સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તપાસ ચાલુ છે અને આ મામલો અત્યંત ગંભીર છે. તપાસ એજન્સી અન્ય કન્સોર્ટિયમ બેંકો દ્વારા આપવામાં આવેલી લોન અને જાહેર ભંડોળના ડાયવર્ઝનમાં સામેલ અન્ય કાવતરાખોરોની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. આ કેસમાં ટૂંક સમયમાં પૂરક (સપ્લીમેન્ટરી) ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ગ્રુપની વિવિધ કંપનીઓ સામે સીબીઆઈ દ્વારા કુલ 6 એફઆઈઆર નોંધવામાં આવી છે, જેની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડને કુલ 17 સરકારી બેંકોના કન્સોર્ટિયમ દ્વારા રૂ. 19,694.33 કરોડની લોન આપવામાં આવી હતી, જેમાં હવે તપાસનો વ્યાપ વધી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code