પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો, 15 કોર્પોરેટરોના રાજીનામાં
પ્રાંતિજ, 1 જૂન, 2026 – પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં આંતરિક વિખવાદ ખુલ્લો પડ્યો હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામાં આપી દીધાં છે.
સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની અંદર મોટો ભડકો સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે ભાજપના 15 કોર્પોરેટરોએ ખુલ્લો બળવો કર્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ ઉપપ્રમુખ સહિત 15 સભ્યોએ જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામાં પાઠવ્યાં છે. રાજીનામાના પત્રમાં પ્રમુખ અને તેમના પતિ પર મનમાની, પક્ષના ચૂંટાયેલા સભ્યોની અવગણના અને એકતરફી નિર્ણયોના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપ પાસે બહુમતી 19 બેઠકો હોવા છતાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવતા સંગઠનમાં દોડધામ વધી ગઈ છે.
સ્થાનિક રાજકીય વર્તુળોમાં આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે, જ્યારે પક્ષના આગેવાનો હવે મામલો થાળે પાડવા અને નારાજ સભ્યોને મનાવવા પ્રયાસો તેજ કર્યા છે.


