પહલગામ હુમલા કેસમાં ખુલાસો: માર્યા ગયેલા આતંકીઓના મોબાઈલનું પાક. કનેક્શન મળ્યું
નવી દિલ્હી, 1 જૂન 2026: જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામમાં ગયા વર્ષે થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) અને જમ્મુ-કાશ્મીર પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસની ઝીણવટભરી તપાસ દરમિયાન પાકિસ્તાનનો નાપાક ચેહરો ફરી એકવાર વૈશ્વિક સ્તરે બેનકાબ થયો છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મળી આવેલા બે મોબાઈલ ફોનનું સીધું કનેક્શન પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાના પુખ્તા પુરાવા મળ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, આ બંને મોબાઈલ ફોન વર્ષ 2021 અને 2023માં ખરીદવામાં આવ્યા હતા, પરંતુ તે વર્ષો સુધી બંધ રહ્યા હતા. આ ફોનને પહલગામ આતંકી હુમલા દરમિયાન જ પહેલીવાર એક્ટિવ (ચાલુ) કરવામાં આવ્યા હોવાનું ડિજિટલ ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે.
પહલગામ હુમલામાં સામેલ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ફૈઝલ ઉર્ફે સુલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જીબ્રાન અને હમઝા અફઘાનીને ગયા વર્ષે 28 જુલાઈ 2025ના રોજ સુરક્ષા દળોએ ‘મલનાર મહાદેવ’ અથડામણમાં ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી શાઓમી રેડમી સિરીઝના બે મોબાઈલ હેન્ડસેટ (રેડમી 9ટી અને રેડમી નોટ 12) રિકવર કરવામાં આવ્યા હતા.
જરૂરી દસ્તાવેજો અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટીની તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, વર્ષ 2021માં પાકિસ્તાનના કરાચી સ્થિત ‘ટેક સિરત’ નામની કંપનીએ રેડમી 9 ટી નામના ફોનનો આખો જથ્થો (શિપમેન્ટ) મંગાવ્યો હતો. આ શિપમેન્ટની ચુકવણી પાકિસ્તાનની જાણીતી ‘ફૈઝલ બેંક’ દ્વારા કરવામાં આવી હતી. ડિલિવરીનું સરનામું પણ ફૈઝલ બેંકની મુખ્ય શાખા, શાહરાહ-એ-ફૈઝલ, કરાચી નોંધાયેલું હતું. રેડમી નોટ 12 ફોન વર્ષ 2023માં લાહોરની ‘એર લિંક કોમ્યુનિકેશન’ નામની કંપની દ્વારા ખરીદવામાં આવ્યો હતો. આ બંને ફોન ખરીદાયા બાદ લાંબો સમય સ્લીપર મોડમાં રાખવામાં આવ્યા હતા અને 22 એપ્રિલ 2025ના રોજ પહલગામ હુમલાના દિવસે જ સક્રિય કરાયા હતા.
-
ભારતીય સેનાનો જડબાતોડ જવાબ: ‘ઓપરેશન સિંદૂર’
ગયા વર્ષે 22એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર એક ઘાતકી આતંકી હુમલો થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના શેડો ઓર્ગેનાઈઝેશન ગણાતા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’એ લીધી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને રોકીને તેમનો ધર્મ પૂછ્યો હતો અને ‘કલમા’ વંચાવીને બિન-મુસ્લિમોની ઓળખ કરી તેમને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં 25 પ્રવાસીઓ અને પ્રવાસીઓનો જીવ બચાવવાનો પ્રયાસ કરનાર 1સ્થાનિક ઘોડેસવાર (પોનીવાલા) સામેલ હતો. પીડિતોમાં કેટલાય નવપરિણિત યુગલો હતા, જેમને તેમના પરિવારની નજર સામે જ નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી.
આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ગયા વર્ષે 6 અને 7 મે ના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં સક્રિય આતંકી લોન્ચ પેડ્સ અને અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક જેવી મોટી કાર્યવાહી કરીને ‘ઓપરેશન સિંદૂર’ ચલાવ્યું હતું. આ ઓપરેશનમાં સરહદ પાર આતંકના મોટા ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. હવે એનઆઈએ આ ટેકનિકલ પુરાવાઓના આધારે આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો પર્દાફાશ કરવા માટે મજબૂત ચાર્જશીટ તૈયાર કરી રહી છે.


