મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબુ સલેમની વહેલી મુક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારના રોજ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત અબુ સલેમની વહેલી મુક્તિની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરીને પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. મુંબઈ વિસ્ફોટોમાં 257 નિર્દોષ લોકોના પ્રાણ ગયા હતા.
અબુ સલેમના વકીલ રિષિ મલ્હોત્રાએ ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેંચ સમક્ષ દલીલ કરી હતી કે ટાડા કોર્ટના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં કે સલેમને ટ્રાયલ દરમિયાન જેલમાં વિતાવેલા સમયનો ફાયદો (સેટ-ઓફ) મળવો જોઈએ, પરંતુ જેલ સત્તાવાળાઓ દ્વારા તેને આ લાભ આપવામાં આવી રહ્યો નથી. વકીલે દાવો કર્યો કે સલેમને જેલમાં ગુજારાયેલા સમયના આધારે હવે 25 વર્ષથી વધુ (એટલે કે 26 વર્ષ, 9 મહિના અને 22 દિવસ) સમય થઈ ચૂક્યો છે. પોર્ટુગલથી પ્રત્યોર્પણ કરતી વખતે ભારત સરકાર સમક્ષ મુકાયેલી શરતો અને સુપ્રીમ કોર્ટના અગાઉના ચૂકાદાઓ મુજબ જેલમાં સારા વર્તનને કારણે મળતી છૂટ (‘અર્ન્ડ રિમેશન’) ને વાસ્તવિક કેદની અવધિમાં ગણવામાં આવવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને વકીલને એક અઠવાડિયાની અંદર લેખિત દલીલો રજૂ કરવા આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અબુ સલેમને વર્ષ 2005માં કડક ડિપ્લોમેટીક શરતો હેઠળ પોર્ટુગલથી ભારત લાવવામાં આવ્યો હતો.


