નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર 2026: એશિયન ગેમ્સ 2026ની તૈયારીઓ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઈજાના કારણે એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણી દરમિયાન વરુણ ચક્રવર્તીને ઈજા પહોંચી હતી, જેના કારણે તેઓ આ શ્રેણી બાદ હવે એશિયન ગેમ્સની સ્ક્વોડમાંથી પણ બાદ થયા છે. વરુણના સ્થાને જમણા હાથના રિસ્ટ સ્પિનર અને ઓલરાઉન્ડર વિપ્રજ નિગમને ટીમ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે વરુણ ચક્રવર્તી અગાઉ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે તેઓ ઝિમ્બાબ્વે સામેની ટી-20 શ્રેણીમાં રમી શક્યા નહોતા. ત્યારબાદ તેમણે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં આશરે બે મહિનાનો સમય વિતાવ્યો હતો. જોકે, ટીમમાં વાપસી કર્યા બાદ પોતાની પ્રથમ જ મેચમાં 4 ઓવરનો સ્પેલ ફેંકતી વખતે તેમની મસલ્સ ખેંચાઈ (માસપેશીઓમાં ખેંચાણ) ગઈ હતી. આ ઈજા બાદ તેમને સેન્ટર ઓફ એક્સીલન્સ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓ એશિયન ગેમ્સમાંથી બહાર થયા હોવાની પુષ્ટિ થઈ છે.
વરુણ ચક્રવર્તીના સ્થાને સ્થાન મેળવનાર વિપ્રજ નિગમ જમણા હાથના રિસ્ટ સ્પિનર હોવાની સાથે એક ઉપયોગી નીચલા ક્રમના બેટ્સમેન પણ છે. વિપ્રજ નિગમ તાજેતરમાં ઈન્ડિયા-એ ટીમ તરફથી રમતા શ્રીલંકા પ્રવાસ પર શાનદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. આ સિવાય યુપી ટી20 લીગ અને આઈપીએલમાં પણ તેમણે પોતાની બોલિંગ અને બેટિંગથી ભારે પ્રભાવ પાડ્યો છે. પસંદગી સમિતિમાં આ સ્થાન માટે કૃણાલ પંડ્યાના નામ પર પણ વિચારણા ચાલી રહી હતી, પરંતુ સાતત્યપૂર્ણ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને વિપ્રજ નિગમ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.
- એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ક્રિકેટ ટીમ
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વિપ્રજ નિગમ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, યશ ઠાકુર, અર્શદીપ સિંહ અને વૈભવ સૂર્યવંશી.


