વોશિંગ્ટન, 16 સપ્ટેમ્બર 2026: અમેરિકાના લોસ એન્જલસના બાહ્ય વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. શહેરના અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં છે.
બીબીસીના અહેવાલ મુજબ, લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટ (LAFD) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચેટ્સવર્થ વિસ્તારમાં બે વ્યાવસાયિક ઇમારતોની વચ્ચે હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એક વ્યક્તિને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને હાલમાં તેમની સ્થિતિ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
મીડિયા હેલિકોપ્ટર ક્રેશ
હેલિકોપ્ટર કોણ ઉડાવી રહ્યું હતું તે તરત સ્પષ્ટ થયું ન હતું, પરંતુ સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, તે બસના જીવલેણ અકસ્માતવાળા સ્થળની નજીક ઉડી રહેલું એક ન્યૂઝ હેલિકોપ્ટર હતું.
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. બસ અકસ્માતનું કવરેજ કરી રહેલું મીડિયાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
ઘટનાસ્થળના દ્રશ્યોમાં બે શિપિંગ કન્ટેનર અને કેટલાક વાહનોમાં આગ લાગેલી જોવા મળી હતી. અગ્નિશમન વિભાગે જણાવ્યું હતું કે આગ બુઝાવી દેવામાં આવી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાંથી કોઈ હેલિકોપ્ટરમાં સવાર હતું કે કેમ, તે અંગે તાત્કાલિક કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.
લોસ એન્જલસ ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તા કેપ્ટન બ્રાન્ડન સિલ્વરમેને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પીડિતોમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ બહાર પાર્કિંગ લોટમાં હતી. તેમણે કહ્યું, “અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે હેલિકોપ્ટરમાં કેટલા લોકો સવાર હતા.”
સિલ્વરમેને કહ્યું, “હેલિકોપ્ટર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. કાટમાળની તપાસ કર્યા પછી જ ખબર પડશે કે તેમાં કેટલા લોકો સવાર હતા.”
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર દુર્ઘટના બાદ 50થી વધુ અગ્નિશામકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કારણે ચાર વાહનો અને બે સ્ટોરેજ કન્ટેનરને નુકસાન થયું હતું, પરંતુ સાંજ સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
વધુ વાંચો: વિયેતનામ: હનોઈમાં ચાર માળની ઈમારતમાં આગ લાગી, 5 લોકોનાં મોત


