1. Home
  2. ગુજરાતી
  3. મોહર્રમ એ માતમનો અવસર, શક્તિ પ્રદર્શનનો નહીં: યોગીનો પોલીસ અને કલેક્ટરને નિર્દેશ
મોહર્રમ એ માતમનો અવસર, શક્તિ પ્રદર્શનનો નહીં: યોગીનો પોલીસ અને કલેક્ટરને નિર્દેશ

મોહર્રમ એ માતમનો અવસર, શક્તિ પ્રદર્શનનો નહીં: યોગીનો પોલીસ અને કલેક્ટરને નિર્દેશ

0
Social Share

લખનૌ, 17 જૂન 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આગામી મોહર્રમના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અત્યંત કડક દિશાનિર્દેશો જાહેર કર્યા છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, મોહર્રમ એ માતમ મનાવવાનો અવસર છે, શક્તિ પ્રદર્શન કરવાનો નહીં. આ દરમિયાન કોઈપણ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રોના પ્રદર્શન, નવી પરંપરાની શરૂઆત કે કાન ફાડી નાખે તેવા ડીજે અને ઢોલ-તાસાના અનિયંત્રિત ઉપયોગની મંજૂરી આપવામાં આવશે નહીં. શાંતિ ભંગ કરનારા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યની કાયદો અને વ્યવસ્થા તેમજ આગામી તહેવારોની તૈયારીઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક મોહર્રમની વ્યવસ્થાઓ અંગે સ્થાનિક સ્તરે અગાઉથી જ સંવાદ સ્થાપિત કરે. કોઈપણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સાથે ખિલવાડ કરવાની ઘટના ન બને તે સુનિશ્ચિત કરવામાં આવે.

ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યા હતા કે, જુલૂસ દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તાજિયાની ઊંચાઈ નિર્ધારિત ધોરણો મુજબ જ રાખવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, 10-12 ફૂટથી વધુ ઊંચા તાજિયા રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દરેક નાગરિકની આસ્થાનું સન્માન કરવામાં આવશે, પરંતુ કોઈપણ સ્થિતિમાં નવી પરંપરા શરૂ કરવાની મંજૂરી આપી શકાય નહીં. આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યના તમામ કમિશનર, આઈજી, એસપી અને વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોહર્રમ એ ઇસ્લામિક કેલેન્ડરનો પ્રથમ મહિનો છે, જેના પ્રથમ દિવસથી ઇસ્લામિક નવું વર્ષ શરૂ થાય છે. આ મહિનાને પયગંબર મહોમ્મદના પૌત્ર ઇમામ હુસૈનની શહાદત માટે યાદ કરવામાં આવે છે. આથી જ આ મહિનાને ગમ (શોક) નો મહિનો માનવામાં આવે છે અને આ દરમિયાન કોઈ ખુશીઓ મનાવવામાં આવતી નથી. ઇસ્લામિક કેલેન્ડરમાં મોહર્રમને અત્યંત પવિત્ર ચાર મહિનાઓમાંથી એક ગણવામાં આવે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code