નવી દિલ્હી, 9 જુલાઈ 2026: ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસની સાથે ઘરેલું હવાઈ મુસાફરીની માંગમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાઈ રહ્યો છે. ઉનાળાના વેકેશન અને મોસમી પ્રવાસોની સીઝનને કારણે મે 2026ના મહિનામાં ભારતીય આકાશમાં મુસાફરોની સંખ્યામાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. દેશની વિવિધ એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોની ભારે માંગને પહોંચી વળવા માટે તબક્કાવાર રીતે પોતાની ફ્લાઇટ્સની ઉડાન ક્ષમતામાં પણ મોટો વધારો કર્યો હતો.
ભારતના ડોમેસ્ટિક એવિએશન માર્કેટમાં અંદાજે 10 ટકાની મજબૂત વૃદ્ધિ
નાગરિક ઉડ્ડયન મહાનિદેશક દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ અનુસાર, મે 2026ના એક જ મહિનામાં દેશની વિવિધ સ્થાનિક એરલાઇન્સ દ્વારા અંદાજે 1.54 કરોડ નાગરિકોએ હવાઈ સફર કરી હતી. ગત વર્ષે મે મહિનામાં આ આંકડો 1.40 કરોડ હતો, જે દર્શાવે છે કે વાર્ષિક ધોરણે ભારતના ડોમેસ્ટિક એવિએશન માર્કેટમાં અંદાજે 10 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. માત્ર એટલું જ નહીં, માસિક ધોરણે પણ એપ્રિલ 2026ના 1.38 કરોડ મુસાફરોની સરખામણીએ મે મહિનામાં 11.6 ટકાનો સીધો વધારો જોવા મળ્યો છે.
ડીજીસીએના રિપોર્ટ અનુસાર, વેકેશન ગાળામાં મુસાફરોનો ધસારો હોવા છતાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) સંકટને કારણે ઉભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને એવિએશન ફ્યુઅલના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને એરલાઇન્સ કંપનીઓએ પોતાના આર્થિક તંત્ર પર વધારાનું ભારણ ન આવે તે રીતે ખૂબ જ વ્યૂહાત્મક આયોજન સાથે ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. આ આયોજનના કારણે મે મહિનામાં ફ્લાઇટ્સની સીટો ખાલી રહેવાનો દર (પેસેન્જર લોડ ફેક્ટર) ખૂબ ઊંચો રહ્યો હતો. જેમાં નવોદિત ‘આકાસા એર’ 92.5 ટકા સીટોની ઓક્યુપન્સી સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ત્યારબાદ સ્પાઈસજેટ 87.4 ટકા, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો 86.4 ટકા અને એર ઇન્ડિયા ગ્રુપ 83.5 ટકા લોડ ફેક્ટર સાથે અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે રહી હતી.
મે મહિનામાં વિવિધ ટેકનિકલ, ઓપરેશનલ અને ખરાબ હવામાનના કારણોસર ફ્લાઇટ્સ રદ થવાનો સરેરાશ દર માત્ર 0.55 ટકા રહ્યો હતો. સમગ્ર ભારતીય ઉડ્ડયન બજાર પર નજર કરીએ તો, ઇન્ડિગો એરલાઇન્સ 99.91 લાખ મુસાફરોને સફર કરાવીને 64.9 ટકાના તોતિંગ માર્કેટ શેર સાથે દેશની સૌથી મોટી એવિએશન કંપની તરીકે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહી છે. જ્યારે ટાટાની માલિકીની એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ સહિતના ‘એર ઇન્ડિયા ગ્રુપ’ 39.33. લાખ મુસાફરો અને 25.6 ટકા બજાર હિસ્સા સાથે બીજા ક્રમે રહ્યું છે. આ સિવાય આકાસા એરે 5.8 ટકા અને સ્પાઈસજેટે 2.5 ટકા બજાર હિસ્સો મેળવ્યો છે.

