રાજકોટ, 14 ઓક્ટોબર, 2026 : Fake IAS officer caught શહેરમાં સરકારી ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવા માટે મહારાષ્ટ્રથી આવેલા એક યુવાને પોતે આઈએએસ અધિકારી હોવાની ફેક ઓળખ આપીને રોફ જમાવ્યો હતો. નકલી આઈએએસ અધિકારીએ શહેરની જુની કલેકટર કચેરીમાં પ્રાંત અધિકારી અતુલસિંહને મોબાઈલફોન કર્યો હતો. અને પોતાની ઓળખ 2023ની બેન્ચના IAS અધિકારી તરીકે આપી હતી અને પોતાની સગર્ભા પત્ની સાથે રાજકોટ આવ્યા હોવાથી સરકારી ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવા જણાવ્યું હતું. પ્રાંત અધિકારીની સમયસૂચકતા અને સચોટ પૂછપરછના કારણે નકલી અધિકારીની પોલ ખુલી ગઈ હતી. નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ ગોહિલે નકલી આઈએએસ અધિકારી સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટની જૂની કલેક્ટર કચેરીમાં આવેલી પ્રાંત કચેરીમાં નકલી આઈએએસ અધિકારી બનીને રોફ જમાવતા એક ગઠિયાને પ્રાંત અધિકારીની સમયસૂચકતાથી ઝડપી લેવાયો હતો. રાજકોટની સિટી-1 પ્રાંત ઓફિસ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા યોગીરાજસિંહ ગોહિલે નોંધાવેલી ફરિયાદ મુજબ, પ્રાંત અધિકારી અતુલસિંહને એક મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ 2023ની બેન્ચના IAS અધિકારી તરીકે આપી હતી અને પોતાની સગર્ભા પત્ની સાથે રાજકોટ આવ્યા હોવાથી સરકારી ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવા જણાવ્યું હતું.
દરમિયાન પ્રાંત અધિકારીને શંકા જતાં તે નંબર પર નાયબ મામલતદાર યોગીરાજસિંહ પાસે ફોન કરાવી પૂછપરછ કરાવી હતી. પરંતુ ફોન પર વાત કરનાર વ્યક્તિ હોદ્દા કે પોસ્ટીંગ અંગે કોઈ સંતોષકારક કે સ્પષ્ટ જવાબ આપી શક્યો નહોતો. જેથી તે વ્યક્તિની વર્તણૂક શંકાસ્પદ જણાતાં પ્રાંત અધિકારીએ તેને સાંજે 7.30 વાગ્યે રૂબરૂ કચેરીએ મળવા બોલાવ્યો હતો. આથી નકલી અધિકારીએ પ્રાંત કચેરીએ આવીને પોતાનું નામ રાહુલસિંહ (IAS, 2023 બેન્ચ-મહારાષ્ટ્ર કેડર) બતાવ્યું હતું. જોકે અધિકારીઓએ વધુ પૂછપરછ કરતાં જ તે ભાંગી પડ્યો હતો અને પોતાનું સાચું નામ પ્રશાંત શાંતારામ કચવે (રહે. કાલબેડે આશ્રમ સ્કૂલ રોડ, કાલબેડે કાંગાણે ધુલે, મહારાષ્ટ્ર) હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે, આ શખ્સે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરકારી ગેસ્ટ હાઉસના મેનેજર જીગ્નેશ બાવડાને પણ પોતાની ખોટી ઓળખ IAS અધિકારી તરીકે આપી હતી. પોતે આઈએએસ અધિકારી ન હોવા છતાં ખોટો હોદ્દો ધારણ કરી સરકારી સુવિધાઓ મેળવવાનો અને રોફ જમાવવાનો ગુનો આચરવા બદલ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.


