Homeગુજરાતીગુજરાતસુરતમાં પૂરપાટ ઝડપે કારે પલટી ખાતા બે ટાયરો ફાટી ગયા, સગીરચાલકને...

સુરતમાં પૂરપાટ ઝડપે કારે પલટી ખાતા બે ટાયરો ફાટી ગયા, સગીરચાલકને ઈજા

સુરત, 14 ઓક્ટોબર, 2026 : Two tires burst after car overturns at full speed  શહેરના પૂરઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના અલથાણા વિસ્તારમાં મહાવીર યુનિવર્સિટી નજીક સર્જાયો હતો, બેફામ ઝડપે આવેલી કારના કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ગઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બે ટાયર ફાટી ગયા હતા અને આગળનો કાચ ભૂક્કો થઈ ગયો હતો. આ અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને સગીરચાલકને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. મદનસિબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.

આ અકસ્માત અંગે સ્થાનિક લોકોના કહેવા મુજબ મહાવીર યુનિવર્સિટી નજીક એક નબીરાએ ફિલ્મી સ્ટાઇલમાં બેફામ ઝડપે કાર દોડાવતા કારચાલક નબિરાએ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર રોડ પર હવામાં ઉછળીને જોરદાર પછડાઈ હતી. અકસ્માત બાદ કાર પલટી ખાઈ જતાં જોરદાર અવાજ સાંભળીને આજુબાજુના  લોકો દોડી આવ્યા હતા. લોકોએ ભેગા મળીને ઊંધી વળેલી કારને મહામહેનતે સીધી કરી હતી. કારમાંથી સગીર ચાલકને બહાર કાઢીને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળેથી કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી આપી નહોતી કે સત્તાવાર જાણ કરી નહોતી. જોકે, ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ આ સમગ્ર અકસ્માત અને પલટી ગયેલી કારનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે તાત્કાલિક અસરથી તપાસનો દોર શરૂ કર્યો છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  કારના રજિસ્ટ્રેશન નંબર GJ 05 RW 4936ના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.  તપાસમાં સામે આવ્યું છે કે, અકસ્માતગ્રસ્ત વાહન ટાટા કંપનીની ટિયાગો એક્સટી મોડેલની કાર છે. સરકારી ડેટા મુજબ આ કાર રેણુ નામની મહિલાના નામે નોંધાયેલી હોવાનું ખુલ્યું છે. આ કાર સગીર પાસે કેવી રીતે પહોંચી અને તેને કોણે ચલાવવા આપી હતી તે દિશામાં હવે અલ્થાણ પોલીસે તપાસ તેજ કરી છે. કાર માલિકની પૂછપરછ કરીને નિયમ મુજબ કાયદેસરના પગલાં ભરવાની તજવીજ હાથ ધરાઈ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular