Homeગુજરાતીગુજરાતસુરતમાં અબ્રામા રોડ પર નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, 1694 કિલો ફેક...

સુરતમાં અબ્રામા રોડ પર નકલી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, 1694 કિલો ફેક ઘી સીઝ

સુરત, 14 ઓક્ટોબર, 2026 : Factory manufacturing fake ghee caught શહેરના અબ્રામા રોડ પર આવેલા માધવ કેમ્પસના એક ગોડાઉનમાં બાતમીના આધારે ઉત્રાણ પોલીસે ફૂડ સેફ્ટી વિભાગને સાથે રાખી સફળ દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 1694 કિલો શંકાસ્પદ ઘી, વનસ્પતિ ડાલડા, સોયાબીન તેલ અને પેકિંગ મશીનરી સહિત કુલ ₹18.21 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અબ્રામા રોડ પર માધવ કેમ્પસના એક ગોદામમાં નકલી ઘી બનાવતી ફેકટરી ધમધમતી હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી  પોલીસે ફૂડ સેફ્ટી વિભાગને સાથે રાખીને  ખાનગી રાહે તપાસ કરતા  મોજે ઉમરા-અબ્રામા રોડ સ્થિત માધવ કેમ્પસના પતરાના શેડવાળા ગોડાઉન નંબર-18માં સન્ની મોદી અને કિશન મોદી નામના શખસો મોટા પાયે નકલી અને ભેળસેળયુક્ત ઘી બનાવી વેચાણ કરી હોવાની માહિતી મળી હતી.  આ માહિતીના આધારે પંચો અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમને સાથે રાખી ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી પ્રોટો વનસ્પતિ ડાલડા ઘીના 15 કિલોના 35 ડબ્બા (કિંમત ₹1.15 લાખ), રિફાઈન્ડ સોયાબીન તેલના 32 ડબ્બા (કિંમત ₹97 હજાર), 795 કિલો લૂઝ ઘી (કિંમત ₹4.76 લાખ) તેમજ ‘Saahas PREMIUM COW Ghee’ ના બ્રાન્ડ નેમ સાથે તૈયાર કરાયેલો 900 કિલો જથ્થો (કિંમત ₹5.40 લાખ) મળી આવ્યો હતો. આ ઉપરાંત ઘીના નાના પાઉચ અને મશીનરી સહિત કુલ ₹18.21 લાખની મત્તાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, નકલી ઘી બનાવતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સન્ની કલ્પેશભાઇ મોદી (ઉં.વ. ૨૬), કિશનભાઇ મનોજભાઇ મોદી (ઉં.વ. ૨૬) અને કલ્પેશભાઇ સુંદરલાલ મોદી (ઉં.વ. ૪૭)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મૂળ બનાસકાંઠાના ડીસાના વતની છે અને હાલ અમરોલી ખાતે કોસાડ લેક ગાર્ડન સામે લેક વ્યૂ રેસિડેન્સીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. આગામી દિવસોમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં ઘીની ભારે માંગ રહેતી હોય છે. આરોપીઓ આ નકલી ઘીને બ્રાન્ડેડ પાઉચ અને ડબ્બાઓમાં પેક કરી બજારમાં ધાબડવાની પેરવીમાં હતા.

 ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ , પીએસઆઈ ડી.ડી. રાઠોડ અને સર્વેલન્સ ટીમે સમયસર બાતમી મેળવી રેડ પાડતા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતો મોટો જથ્થો બજારમાં પહોંચે તે પહેલાં જ ઝડપાઈ ગયો હતો. પોલીસે ફૂડ સેફ્ટી વિભાગ મારફતે ઘીના સેમ્પલ એફએસએલ તપાસ અર્થે મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular