Homeગુજરાતીગુજરાતસૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 61મો પદવીદાન યોજાયો, 132 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 61મો પદવીદાન યોજાયો, 132 વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત

રાજકોટ, 9 ઓક્ટોબર, 2026 : Saurashtra University’s 61st convocation held સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  61માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 132 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તો 45,924 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતુ કે, દેશમાં આઝાદી મળ્યા બાદ રિક્ષા અને સાયકલ પણ વિદેશથી આયાત કરવી પડતી હતી. જોકે  છેલ્લા 12 વર્ષમાં દેશમાં વિકાસને નવી ગતિ મળી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 61મો પદવીદાન સમારંભ ગુરૂવારના રોજ રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તેમજ રાજયકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગા, જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટીફીક રીસર્ચ, બેંગલુરુના સાયન્ટીસ્ટ અને પ્રેસીડેન્ટ કે.એસ. નારાયણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 14 વિદ્યાશાખાના 45,924 દિક્ષાર્થીઓને પદવીઓ તથા 132 ગોલ્ડ મેડલ તેમજ 227 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી કુલ 60 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 72 ગોલ્ડ મેડલ મળીને કુલ 132 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. દાતાઓ તરફથી કુલ 114 પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી કુલ 113 પ્રાઈઝ મળીને 227 પ્રાઈઝ આ પદવીદાન સમારોહમાં એનાયત કરાયા હતા.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, આઝાદી પછી ભારતને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં દેશ મળ્યો હતો. લાંબા સમયની ગુલામીના કારણે દેશની શિક્ષણ વ્યવસ્થા, સંસ્કૃતિ અને પરંપરાઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. ભારતને દિન-હીન સ્થિતિમાં છોડવામાં આવ્યું હતું. જ્યાં રિક્ષા અને સાઇકલ જેવી સામાન્ય વસ્તુઓ પણ વિદેશથી આયાત કરવી પડતી હતી. ભારતમાં કપાસનું ઉત્પાદન થતું હોવા છતાં દેશમાં કાપડનું ઉત્પાદન કરી શકાતું ન હતું. દેશ પાસે વિવિધ પ્રકારના ખનિજો ઉપલબ્ધ હતા પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી નહોતી અને તેનો લાભ બહારના દેશોને મળતો હતો. ભારતની સાથે જ આઝાદ થયેલા ચીન અને જાપાને વિકાસની દિશામાં ઝડપી પ્રગતિ કરી છે. જોકે, છેલ્લા 10થી 12 વર્ષમાં ભારતમાં પણ વિકાસને નવી ગતિ મળી છે.

આ પદવીદાન સમારોહમાં ગોલ્ડમેડલ મેળવનાર કુલ 132 દિક્ષાર્થીઓમાં 27 વિદ્યાર્થીઓ તથા 105 વિદ્યાર્થીનીઓ મળીને કુલ 132 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની શાહ કેયાને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 05 ગોલ્ડ મેડલ અને 08 પ્રાઈઝ, સુરેન્દ્રનગરની સી.યુ. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થિની બારાઈ પલક રાજેશભાઈને એમી.બી.બી.એસ. માં 04 ગોલ્ડ મેડલ અને 03 પ્રાઈઝ, રાજકોટની એ.એમ.પી. લો કોલેજની વિદ્યાર્થિની ઉટેલીયા શોભના જેરામભાઈને એલ.એલ.બી. માં 03 ગોલ્ડ મેડલ અને 07 પ્રાઈઝ, ધારીની યોગીજી મહારાજ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની રાઠોડ હેમાલી ચતુરભાઈને બી.એ.માં 03 ગોલ્ડ મેડલ અને 03 પ્રાઈઝ એનાયત થયા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular