Homeગુજરાતીગુજરાતચીન અને પાકિસ્તાની ગેન્ગ સાથે સંપર્ક ધરાવતો સાયબર ફ્રોડનો આરોપી પકડાયો

ચીન અને પાકિસ્તાની ગેન્ગ સાથે સંપર્ક ધરાવતો સાયબર ફ્રોડનો આરોપી પકડાયો

સુરત, 9 ઓક્ટોબર, 2026 : Cyber ​​fraud accused with links to Chinese and Pakistani gangs arrested રાજ્યમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ત્યારે સુરતની સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે પાકિસ્તાન અને ચીનના સાયબર માફિયાઓ સાથે સીધો સંપર્ક ધરાવતા એક આરોપીને દબોચી લઈને ઈન્ટરનેશનલ લેવલના સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલો આરોપી સોશિયલ મીડિયા અને એન્ક્રિપ્ટેડ એપ્સ મારફતે દેશવિરોધી સાયબર માફિયાઓને ભારતીય બેંક એકાઉન્ટ્સની વિગતો પૂરી પાડતો હતો. આ કેસમાં પોલીસે પોરબંદરથી આરોપીની ધરપકડ કરી કોર્ટમાંથી 6 દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછતાછ કરવામાં આવી રહી છે.

શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીના જણાવ્યા મુજબ આરોપી દિવ્યેશ ઉર્ફે બાપુ ઉર્ફે દિવલો જમનગીરી મેઘનાથી (ઉ.વ 27)ને શહેરમાં જ્વેલર્સના શો રૂમમાંથી સોનાની વિંટી ખરીદી હતી, અને યુપીઆઈથી પેમેન્ટ કર્યું હતું. જે બેન્ક ખાતામાંથી પેમેન્ટ કર્યું હતું. એમાં સાયબર ફ્રોડના નાણા જમા થયેલા હોવાથી તેલંગાણા અને કર્ણાટક પોલીસે જવેલર્સનું કરંટ એકાઉન્ટ સીઝ કરી દીધું હતું. દાગીના અને રૂપિયા બંને ફસાઈ જતાં જ્વેલર્સએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેના પગલે સુરત સાયબર ટીમે ડિજિટલ મની ટ્રેલની તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે પોરબંદરના છાયા મેઈન રોડ પર રહેતા અને મૂળ ગીર-સોમનાથના સમઢીયાળાના વતની 27 વર્ષીય દિવ્યેશ ઉર્ફે બાપુ ઉર્ફે દિવલો જમનગીરી મેઘનાથીને ઝડપી લીધો હતો. દિવ્યેશ પોરબંદરમાં લાઈટ ડેકોરેશનના ધંધાની આડમાં આ રેકેટ ચલાવતો હતો. તેની સાથે અન્ય 3 આરોપીઓ પણ ટોળકી બનાવીને આ ગુનાઈત પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.

સાયબર સેલના પોલીસ સૂત્રોના કહેવા મુજબ ઝડપાયેલા આરોપી દિવ્યેશના મોબાઈલ ફોનમાંથી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટ્સની ચોંકાવનારી વિગતો મળી  છે. આરોપી સીધો જ પાકિસ્તાની સાયબર ગેંગ સાથે સંપર્કમાં હતો અને “તમને કેટલા બેંક એકાઉન્ટ જોઈએ છે અને હું કઈ રીતે મોકલું” તે અંગે સીધી સોદાબાજી કરતો હતો. આ ઉપરાંત તે દુબઈ સ્થિત હેન્ડલર મારફતે ચાઇનીઝ ગેંગ સાથે પણ કનેક્ટેડ હતો. પાકિસ્તાની ગેંગને વધુ મ્યુલ એકાઉન્ટ પહોંચાડે તે પહેલાં જ સુરત પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

પોલીસને આરોપી દિવ્યેશના રિમાન્ડ દરમિયાન તેના ફોનમાંથી 80 જેટલા મ્યુલ બેંક ખાતાઓની યાદી મળી આવી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર વેરિફિકેશન કરતાં દેશભરમાં નોંધાયેલી 53 જેટલી સાયબર છેતરપિંડીની ફરિયાદો આ જ ખાતાઓ સાથે જોડાયેલી હોવાનું ખુલ્યું છે, જેમાં અંદાજે ₹11 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી છે. આ ઉપરાંત આરોપી પોરબંદરમાં 60-40 ટકાની ફોર્મ્યુલાથી ગોલ્ડ ફાઇનાન્સનું શંકાસ્પદ કામ પણ સંભાળતો હોવાનું બહાર આવ્યું છે. હાલ પોલીસ રિમાન્ડ દરમિયાન આંતરરાષ્ટ્રીય કડીઓના મૂળ સુધી પહોંચવા સઘન પૂછપરછ કરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular