ગાંધીનગર, 9 ઓક્ટોબર, 2026 : World Sight Day: ગુજરાતમાં અંધત્વનો દર હાલના ૦.૨૫ ટકાથી ઘટાડીને વર્ષ-૨૦૩૦ સુધીમાં ૦.૨૦ ટકા કરવાનો રાજ્ય સરકારે લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ માટે હવે રાજ્યમાં ૪૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકોની આંખોની તપાસ માટે વિશેષ ત્રિ-સ્તરીય કોમ્યુનિટી આઈ સ્ક્રિનિંગ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.
આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની હોસ્પિટલ ખાતે ૨૭મા વિશ્વ દ્રષ્ટિ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. વય વધવાની સાથે મોતિયા, ગ્લુકોમા સહિતની દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનું જોખમ વધતું હોવાથી રાજ્ય સરકાર દ્વારા ૪૦ વર્ષથી વધુ વયના નાગરિકોની સમયસર આંખોની તપાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ત્રિ-સ્તરીય સ્ક્રિનિંગના માધ્યમથી ગ્રામીણ તથા શહેરી વિસ્તારોમાં નાગરિકોની આંખોની તપાસ કરી દ્રષ્ટિની ખામીનું વહેલું નિદાન કરવામાં આવશે. જરૂરિયાત મુજબ આગળની સારવાર માટે દર્દીઓને રિફર કરવામાં આવશે. આંખની બીમારીનું વહેલું નિદાન થવાથી દ્રષ્ટિ ગુમાવવાનું જોખમ ઘટાડી શકાય છે અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવી શકાય છે.
રાજ્ય સરકારની “મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત” ઝુંબેશ હેઠળ મોતિયાના દર્દીઓને અત્યાધુનિક હાઇડ્રોફોબિક નેત્રમણિ (IOL) સાથે ફેકોઇમલ્સિફિકેશન પદ્ધતિથી ઓપરેશનની સુવિધા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીનો ખર્ચ સામાન્ય રીતે રૂ.૬૦ હજારથી રૂ.૮૦ હજાર સુધી થાય છે, જ્યારે સરકારી આરોગ્ય વ્યવસ્થા હેઠળ આ સારવાર નાગરિકોને મફત મળી રહી છે. આ યોજનાનો સીધો લાભ ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન હેઠળ મોતિયાના નિર્ધારિત લક્ષ્યાંકોની સામે ગુજરાતે કામગીરી કરીને દેશમાં અગ્રસ્થાન જાળવી રાખ્યું છે. રાજ્યમાં મેડિકલ કોલેજો, સુસજ્જ આઈ હોસ્પિટલ, ચક્ષુદાન કેન્દ્રો તથા અન્ય આરોગ્ય માળખાના માધ્યમથી નેત્ર સારવારનું નેટવર્ક વધુ મજબૂત કરવામાં આવી રહ્યું છે.


