1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ
ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ

ભક્તિ, શ્રદ્ધા અને ભવ્યતાનો ત્રિવેણી સંગમ: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ

0
Social Share

અમદાવાદ, 10 જુલાઈ 2026: Lord Jagannath’s 149th Rath Yatra સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ શહેર આજે ‘જય રણછોડ, માખણ ચોર’ અને ‘હરિ બોલ’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું છે. અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંદિરમાં ઉપસ્થિત રહીને મંગળા આરતીના દિવ્ય દર્શન કર્યા હતા. ત્યારબાદ પરંપરાગત વિધિ મુજબ, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી પવિત્ર ‘પહિંદવિધિ’ સંપન્ન કરવામાં આવી હતી. આ વિધિ પૂર્ણ થતાં જ નાથના રથો નગરજનોને આશીર્વાદ આપવા માટે મંદિર પરિસરની બહાર નીકળ્યા હતા અને ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો.

ટેક્નોલોજી અને સુરક્ષાનો લોખંડી પહેરો: 30 હજાર જવાનો તૈનાત

કોઈપણ અનિચ્છનીય ઘટના વગર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ પ્રશાસન દ્વારા અભેદ્ય કિલ્લા જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સુરક્ષા દળોનું નેતૃત્વ: સમગ્ર રૂટ પર આશરે 30 હજાર જેટલા પોલીસ જવાનો ખડેપગે સેવા આપી રહ્યા છે. સુરક્ષાની કમાન 10 IG-DIG કક્ષાના અધિકારીઓ, 2 જેસીપી, 42 ડીસીપી, 93 એસીપી, 303 પીઆઈ અને 673 પીએસઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓના હાથમાં છે.

હાઈટેક મોનિટરિંગ: રથયાત્રાના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખવા માટે 250થી વધુ ‘ડીપ પોઇન્ટ’ ઊભા કરાયા છે. તમામ વાહનોનું જીપીએસ મેપિંગ કરીને 12 કંટ્રોલ રૂમ દ્વારા તેનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

ગજરાજો માટે ખાસ સોફ્ટવેર: આ વર્ષે ટેક્નોલોજીનો એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. યાત્રામાં સામેલ 18 ગજરાજો (હાથીઓ) ડીજે કે ફટાકડાના લાઉડ અવાજથી ભડકે નહીં તે માટે ક્રાઈમ બ્રાન્ચે તેમના પર ‘ગાયરોમીટર’નામનું ખાસ સોફ્ટવેર ડિવાઈસ લગાવ્યું છે, જે અવાજનું સ્તર વધતાં જ કંટ્રોલ રૂમને એલર્ટ કરશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વોને ડામવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર ટીમ પણ સક્રિય છે. અમદાવાદ પોલીસ કમિશનર અને જેસીપી ક્રાઇમે પરંપરાગત રીતે લીલી ઝંડી બતાવીને સાંસ્કૃતિક કાફલાને રવાના કર્યો હતો. આ વર્ષની રથયાત્રા એક ભવ્ય ‘મેસેજ યાત્રા’ તરીકે ઉભરી આવી છે.

આકર્ષણના મુખ્ય કેન્દ્રો:

સામાજિક સંદેશાઓ: યાત્રામાં જોડાયેલી વિવિધ ટ્રકો અને ભજન મંડળીઓ દ્વારા વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવો અને સામાજિક જાગૃતિ જેવા સકારાત્મક સંદેશાઓ સુંદર રીતે રજૂ કરાયા છે.

શૌર્ય અને સાહસના દર્શન: માર્ગો પર અખાડાના યુવાનો અને મલ્લો દ્વારા તલવારબાજી, લાઠીના દાવ અને જિમ્નાસ્ટિક્સ જેવા હેરતઅંગેજ કરતબો રજૂ કરવામાં આવી રહ્યા છે, જેને જોઈને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ ગયા છે.

પરંપરાગત પ્રસાદ: સમગ્ર રૂટ પર ભક્તોને મગ અને જાંબુના પવિત્ર પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

નગરચર્યાએ નીકળેલા નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથની એક ઝલક મેળવવા માટે રસ્તાની બંને બાજુએ ભક્તોનું કીડીયારું ઉભરાયું છે. અબાલ-વૃદ્ધ સૌ કોઈ કલાકોથી હાથ જોડીને પ્રભુના દીદાર કરવા આતુરતાથી ઊભા છે, જેના કારણે સમગ્ર અમદાવાદ શહેર અત્યારે ભક્તિમય અને દિવ્ય ઊર્જાથી સભર બની ગયું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code