દહેરાદુન, 7 ઓગસ્ટ, 2026 – ઉત્તરાખંડના એક યુવકે સિંગલ સીટર ફ્લાઈંગ કાર બનાવીને તેનું જાતે પરીક્ષણ કર્યું હોવાનો એક વીડિયો આજે 7 ઓગસ્ટને શુક્રવારે વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે, જેમાં એક યુવક વાદળી રંગની સિંગલ સીટર ગાડીમાં બેસીને હવામાં ઊડતો જોવા મળી રહ્યો છે. દેખાવમાં આ ખૂબ જ નાની છે અને તેમાં પૈડાંને બદલે ચારેય તરફ કુલ 8 પંખા લાગેલા છે. આની મદદથી તે લીલાછમ ઘાસના મેદાન વચ્ચેથી ટેક ઓફ કરે છે અને આશરે 20 ફૂટની ઊંચાઈ પર રહીને સમગ્ર ગ્રાઉન્ડની ચક્કર લગાવીને પાછો એ જ જગ્યાએ સુરક્ષિત લેન્ડ કરી લે છે.
વીજળીથી ચાલે છે આ ગાડી, આર્મી હેલિપેડ પર ટેસ્ટ
આ વીડિયો ગુરુવારે સવારે ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આર્મી હેલિપેડ પર શૂટ કરવામાં આવ્યો છે. જે વ્યક્તિ આ ઊડતી ગાડી ચલાવી રહ્યો છે તેનું નામ રવિ તમટા છે, જે પોતે ‘હપિડા સ્કાય પ્રાઈવેટ લિમિટેડ’ નામની કંપનીના સ્થાપક અને CEO છે. આ પ્રોટોટાઈપ તેમની જ કંપનીએ બનાવ્યો છે, જેનું તેમણે સફળ પરીક્ષણ કર્યું છે. રવિ છેલ્લા ઘણા વર્ષોથી આ કાર બનાવવા પ્રયત્નશીલ હતા. ફ્લાઈંગ કાર સંપૂર્ણપણે વીજળીથી ચાલે છે.
રવિ તમટાએ એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતમાં બનેલું આ પહેલું ‘પર્સનલ ફ્લાઈંગ વ્હીકલ’ છે. તેમના જણાવ્યા મુજબ જે અંતર રોડ માર્ગે કાપવામાં આશરે 40 મિનિટ લાગે છે, તે જ અંતર હવાના રસ્તે આ વાહનની મદદથી આશરે 12 મિનિટમાં પૂરું કરી શકાય છે. રવિનું કહેવું છે કે તેઓ હજુ આ મશીનને વધુ સુરક્ષિત અને શક્તિશાળી બનાવવા માટે આગળ બીજા પણ ઘણા ટેસ્ટ કરશે. તેમનું વિઝન એવી ટેકનોલોજી વિકસાવવાનો છે જેથી લોકો ટૂંકા અંતરની મુસાફરી માટે રસ્તાની સાથે સાથે હવાઈ માર્ગનો પણ ઉપયોગ કરી શકે.
જુઓ વીડિયો…
🇮🇳 Innovation takes flight from Uttarakhand!
Almora-based innovator Ravi Tamta has successfully tested the HAPIDA SKYNeX prototype, marking a major milestone in India’s personal air mobility journey.
Developed with the vision of creating a safe, electric personal flying… pic.twitter.com/B9j3AoMhGl
— Kailash Vashi (@KailashVashi) August 7, 2026
પહેલાં પણ કરી ચૂક્યા છે અનેક પ્રયોગો
અહેવાલ મુજબ રવિ તમટાનો આ પહેલો પ્રયોગ નથી. આ પહેલાં રવિએ એક સ્ટિક (લાકડી) પણ બનાવી હતી, જેનો ઉપયોગ આજે ઉત્તરાખંડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં થઈ રહ્યો છે. આ સ્ટિક મોબાઈલ ચાર્જ કરે છે અને ટોર્ચ તરીકે પણ કામ આપે છે. એટલું જ નહીં તેમણે 2007 માં બોટલની અંદર જ બેટરી બનાવીને બલ્બ પ્રગટાવ્યો હતો. આ સિવાય વર્ષ 2019 માં તેમણે એક ઈલેક્ટ્રોલાઈટ પંપ મશીન બનાવવાનો દાવો કર્યો હતો, જેનાથી ઈલેક્ટ્રિક વાહનોને ઓછા સમયમાં ચાર્જ કરી શકાતા હતા.


