સુરત, 8 ઓગસ્ટ 2026: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજી ના વરદ હસ્તે આજે સુરત શહેરના વિવિધ ઝોનમાં કરોડો રૂપિયાના જનકલ્યાણકારી વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રૂ. ૨૯.૭૫ કરોડના તૈયાર થયેલા કામોનું લોકાર્પણ તેમજ રૂ. ૪.૩૮ કરોડના નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉધના ઝોનમાં રૂ. ૧૩.૨૧ કરોડના કામોની ભેટ આપી સૌથી વધુ લોકાર્પણ કરાયા હતા. આ ઉપરાંત રાંદેર, સચિન-કનાકપુર, સેન્ટ્રલ, કતારગામ અને લિંબાયત ઝોનમાં પણ માળખાકીય અને શિક્ષણલક્ષી કામો જનતાને અર્પણ કરાયા હતા. ખાસ કરીને મનપા સંચાલિત ૧૦ પ્રાથમિક શાળાઓના નવા બાંધકામ અને શિલાન્યાસ કાર્યો થકી શહેરમાં શિક્ષણ માટે ઉચ્ચ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલજી એ જણાવ્યું કે “એક સમય હતો જ્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને મનપાની શાળાઓમાં ભણતર અંગે શંકા રહેતી અને તેઓ ટ્યુશન તથા ખાનગી શાળાઓ પાછળ ખર્ચ કરતા હતા. પરંતુ વર્ષોથી શિક્ષકોની મહેનત અને તંત્રના પ્રયાસોથી આજે શિક્ષણની ગુણવત્તામાં એવો બદલાવ અને વિશ્વાસ આવ્યો છે કે વાલીઓ હવે પ્રાઇવેટ શાળાઓ છોડીને પોતાના બાળકોને મનપાની સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે.”
મનપા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પ્રશંસા
મનપાની શાળાઓમાં અભ્યાસ કરતા ૨ લાખ ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને ૫ હજારથી વધુ શિક્ષકોની સરાહના કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા બાળકોને મધ્યાહન ભોજન, પૌષ્ટિક આહાર, બે જોડી કપડાં, બૂટ-મોજા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આજે અહીં ભણેલા બાળકો ડૉક્ટર, વકીલ અને સાયન્ટિસ્ટ બનીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. વાલીઓ પોતાના બાળકોને મોબાઇલ ફોનની લતમાંથી છોડાવીને ખુલ્લી હવામાં રમતગમતના મેદાન (ગ્રાઉન્ડ) પર રમવા મોકલે, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય.
વાલીઓ માત્ર બાળકનું પ્રગતિપત્રક જોઈને સંતોષ ન માને, પરંતુ શાળામાં જઈને શિક્ષકો સાથે બાળકના અભ્યાસ, વર્તન અને ખાસ ટેલેન્ટ અંગે નિયમિત ચર્ચા કરે. અભ્યાસની સાથે રમતમાં પણ કરિયરની મોટી તકો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘ખેલ મહાકુંભ’ જેવા અભિયાનોથી આજે દેશના લાખો બાળકો રમતગમતમાં ગોલ્ડ મેડલ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમમાં શહેરના મેયર માયાબેન માવાણી , ડેપ્યુટી મેયરસુધાકરભાઈ ચૌધરી , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજનભાઈ પટેલ , ધારાસભ્ય મનુભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અલ્પાબેન મહેતા સહિતના અગ્રણીઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

