[અલકેશ પટેલ] 24 ઓગસ્ટ, 2026: વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષા પ્રત્યે સાચી નિસબત ધરાવનાર પાંચ મહાનુભાવોનું આજે અહીં સન્માન કરવામાં આવ્યું હતું. 2004થી વીર કવિ નર્મદના જન્મદિવસ 24 ઓગસ્ટને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શેઠ સી.એન. વિદ્યાવિહાર તથા વિદ્યાવાન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ખાસ આ નિમિત્તે યોજાયેલા માતૃભાષા સન્માન સમારંભમાં ગુજરાતી સાહિત્યના દિગ્ગજ લેખક જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરીના હસ્તે માતૃભાષા સંવર્ધકોને પોંખવામાં આવ્યા હતા.
સી.એન. વિદ્યાવિહાર સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સર્વ શ્રી પિંકી પંડ્યા, અમર ભટ્ટ, અસીમ પંડ્યા, સલીલ મહેતા તથા ભાવિન શેઠનું સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે આશીર્વચન આપતા શ્રી રઘુવીરભાઈ ચૌધરીએ સી.એન. વિદ્યાવિહારના સમગ્ર વાતાવરણ વિશે રાજીપો વ્યક્ત કર્યો હતો. તેમણે બોલાતી વિવિધ ગુજરાતી ભાષાનો અભ્યાસ કરવો જોઈએ તેવું પણ સૂચન કર્યું હતું. શ્રી રઘુવીરભાઈએ કહ્યું કે, ગુજરાતી ભાષાને સતત સમૃદ્ધ કરવામાં અનેક લોકોનો ફાળો છે. ગ્રામ્ય ક્ષેત્રોમાં બોલાતી ભાષા, શહેરોમાં બોલાતી ભાષા, કચ્છ-સૌરાષ્ટ્રમાં બોલાતી ભાષાનો તેમણે આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે આજના કાર્યક્રમ નિમિત્તે વીર કવિ નર્મદને યાદ કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહારના આંગણે આવો અદ્દભૂત કાર્યક્રમ યોજાવા બદલ આનંદ વ્યક્ત કરતાં વિદ્યાવિહારના નિયામક વૈશાલીબેન શાહે 1961માં માતૃભાષાને ખાતર વીરગતિ પામનાર પ્રથમ મહિલા કમલા ભટ્ટાચાર્યને ભાવપૂર્વક યાદ કર્યા હતા. તેમણે તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (આજના બાંગ્લાદેશ)માં માતૃભાષા માટે થયેલા આંદોલનને પણ આ પ્રસંગે યાદ કર્યું હતું.
સંસ્થાના તાલીમી વિભાગના આચાર્ય શ્રી ભગવાનભાઈ પટેલે પ્રારંભમાં સૌ મહેમાનોને આવકાર્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે આજના આ સમારંભ દ્વારા અહીં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે કામગીરી કરવાની પ્રેરણા મળશે.
વિદ્યાવાન ફાઉન્ડેશનના સ્થાપક રમેશ તન્નાએ માતૃભાષાનું સંવર્ધન કરનાર મહાનુભાવોનું સન્માન કરવા પાછળની પૃષ્ઠભૂ વિશે વાત કરીને પ્રત્યેક પુરસ્કાર વિજેતાનો પરિચય આપ્યો હતો. તેમણે માતૃભાષાની યુનિવર્સિટી સ્થાપવાની યોજના પણ જાહેર કરી હતી.
વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ નિમિત્તે સુવિખ્યાત ગુજરાતી સંગીતકાર-ગાયક શ્રી અમર ભટ્ટને આજે 24 ઓગસ્ટ, 2026ને સોમવારે સી.એન. વિદ્યાવિહાર અને વિદ્યાવાન ફાઉન્ડેશનના ઉપક્રમે સન્માનિત કરવામાં આવ્યા. તેમની સાથે સર્વ શ્રી પિંકી પંડ્યા, અસીમ પંડ્યા, સલીલ મહેતા તથા ભાવિન શેઠનું પણ સન્માન… pic.twitter.com/oyVsCgilb2
— Alkesh अलकेश (@keshav29) August 24, 2026
આ પ્રસંગે ઉપસ્થિત સૌ માતૃભાષા પ્રેમીઓના આગ્રહને માન આપીને સુવિખ્યાત સંગીતકાર-ગાયક શ્રી અમર ભટ્ટે કવિ નર્મદની એક રચના ગાઈ સંભળાવી હતી.

કવિ નર્મદ જયંતી પ્રસંગે શાળામાં વેશભૂષાનું આયોજન થયું હતું. તેમાં નર્મદની વેષભૂષા કરનાર વિદ્યાર્થીને આ સન્માન સમારંભ દરમિયાન ખાસ ઉપસ્થિત રાખવામાં આવ્યો ત્યારે સમગ્ર વાતાવરણ રોમાંચિત બની ગયું હતું.


