HomeAgency Newsએવરેસ્ટ કંપનીની હિંગ ઉપર FSSAI એ તત્કાળ અસરથી પ્રતિબંધ લગાવ્યો

એવરેસ્ટ કંપનીની હિંગ ઉપર FSSAI એ તત્કાળ અસરથી પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી, 29 ઓગસ્ટ, 2026 – ખાણી-પીણીની શુદ્ધતાની તપાસ કરતી સરકારી સંસ્થા FSSAIએ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સની કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ કંપનીની હિંગના તમામ વેરિઅન્ટ પર આગામી આદેશ સુધી લાગુ રહેશે. FSSAIએ આ કાર્યવાહી તપાસમાં હિંગ નિર્ધારિત ધોરણો ઉપર પાર ન ઊતર્યા બાદ કરી છે. આ જ પ્રકારની કાર્યવાહી જૂની હિંગ કંપની લાલજી ગોધૂ એન્ડ કંપની સામે પણ કરવામાં આવી છે.

શું ગડબડ મળી?

FSSAIના જણાવ્યા અનુસાર સરકારી લેબમાં એવરેસ્ટની હિંગના સેમ્પલ તપાસવામાં આવ્યા. તપાસમાં કેટલાક સેમ્પલ મિસબ્રાન્ડેડ અને સબ-સ્ટેન્ડર્ડ મળી આવ્યા. સૌથી મોટી ગડબડ અલ્કોહોલ સોલ્યુબલ એક્સ્ટ્રેક્ટમાં મળી. નિયમ મુજબ કમ્પાઉન્ડેડ હિંગમાં આ માત્રા ઓછામાં ઓછી 5 ટકા હોવી જોઈએ પરંતુ એક સેમ્પલમાં આ માત્રા 0 ટકા મળી. જ્યારે પીળી હિંગના એક સેમ્પલમાં આ 3.29 ટકા અને કાળી હિંગમાં 4.4 ટકા મળી આવી. એટલે કે ત્રણેય નિર્ધારિત 5 ટકાના ધોરણથી નીચે હતા.

અલ્કોહોલ સોલ્યુબલ એક્સ્ટ્રેક્ટ શું હોય છે?

સરળ ભાષામાં સમજીએ તો બજારમાં મળતી કમ્પાઉન્ડેડ હિંગ પૂરી રીતે શુદ્ધ હિંગ નથી હોતી. તેમાં અસલી હિંગની સાથે લોટ, સ્ટાર્ચ અને બીજી વસ્તુઓ ભેળવવામાં આવે છે. અલ્કોહોલ સોલ્યુબલ એક્સ્ટ્રેક્ટ એ બતાવવાનું એક માપદંડ છે કે તેમાં અસલી હિંગનો ભાગ કેટલો છે એટલે કે તેની માત્રા જેટલી ઓછી હશે ઉત્પાદનમાં અસલી હિંગનો ભાગ એટલો ઓછો માનવામાં આવશે. એક સેમ્પલમાં 0 ટકા મળવું એટલા માટે મોટી ગડબડ માનવામાં આવી.

એવરેસ્ટ પર પહેલાં પણ ઊઠ્યા હતા સવાલ

FSSAIના આદેશ મુજબ એવરેસ્ટનાં કેટલાક બીજા ઉત્પાદનો અંગે પહેલાં પણ ફરિયાદો અને નિયમોની ખામીઓ સામે આવી ચૂકી છે. ચિકન મસાલા, ગરમ મસાલા અને એગ કરી પાવડરમાં લેબલ બાબતની ગડબડો મળવાનો પણ આદેશમાં ઉલ્લેખ છે. FSSAIનું કહેવું છે કે અલગ-અલગ જગ્યાએથી લેવામાં આવેલા હિંગના સેમ્પલોમાં વારંવાર એક જેવી સમસ્યા મળી અને અલ્કોહોલિક એક્સ્ટ્રેક્ટ 5 ટકાથી ઓછું મળી આવ્યું.

હવે કંપનીએ શું કરવું પડશે?

FSSAIએ કંપની પાસે આ મામલે એક્શન પ્લાન માંગ્યો છે. કંપનીએ એ સુનિશ્ચિત કરવું પડશે કે આગળ માત્ર નિર્ધારિત ધોરણો મુજબ જ ઉત્પાદન વેચવામાં આવે. જો જવાબ સંતોષકારક નહીં મળે અથવા નિયમોનું પાલન કરવામાં નહીં આવે તો કંપની સામે આગળ પણ કાર્યવાહી થઈ શકે છે.

2024માં પણ વિવાદમાં આવી હતી એવરેસ્ટ કંપની

વર્ષ 2024માં હોંગકોંગ અને સિંગાપોરમાં એવરેસ્ટ સહિત કેટલાક મસાલા બ્રાન્ડ્સનાં ઉત્પાદનોમાં એથિલિન ઓક્સાઈડના ઉપયોગ પર સવાલો ઊઠ્યા હતા. ત્યારબાદ ભારતમાં પણ FSSAIએ મસાલાના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી હતી. જોકે વર્તમાન મામલો અલગ છે. આ વખતે કાર્યવાહી હિંગના ધોરણો અને તેની ગુણવત્તા સાથે જોડાયેલી છે.

લાલજી ગોધૂ એન્ડ કંપની સામે પણ આદેશ

FSSAIએ લાલજી ગોધૂ એન્ડ કંપની સામે પણ તાત્કાલિક રોકનો આદેશ જારી કર્યો છે. તપાસમાં કંપનીની કમ્પાઉન્ડેડ હિંગના સેમ્પલ નિર્ધારિત ધોરણો મુજબ મળ્યા નથી. સાથે જ કમ્પાઉન્ડેડ હિંગ બનાવવામાં ઉપયોગમાં લેવાતી કાચી હિંગની અલગ-અલગ જાતોમાં પણ નિર્ધારિત માત્રાથી વધુ સ્ટાર્ચ મળી આવ્યો. FSSAIએ કહ્યું કે આ ગડબડ અલગ-અલગ બેચમાં સતત સામે આવી છે. તેથી કંપનીની કમ્પાઉન્ડેડ હિંગના વેચાણ અને મેન્યુફેક્ચરિંગ પર આગામી આદેશ સુધી રોક લગાવી દેવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular