Homeગુજરાતીગુજરાતદિવ્યાંગ ઉમેદવારોની ભરતી અને રોસ્ટર નીતિ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો

દિવ્યાંગ ઉમેદવારોની ભરતી અને રોસ્ટર નીતિ અંગે એક દિવસીય વર્કશોપ યોજાયો

ગાંધીનગર, 13 ઓક્ટોબર, 2026 :  One-day workshop held on recruitment and roster policy for Divyang candidates રાજ્ય સરકારમાં દિવ્યાંગો સહિત અનામતના લાભાર્થી વર્ગોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા અને ભરતી પ્રક્રિયામાં રોસ્ટર નીતિનું ચોકસાઈપૂર્વક પાલન સુનિશ્ચિત કરવા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલા એક દિવસીય વર્કશોપમાં વિવિધ વિભાગોના અંદાજે ૩૫૦ અધિકારીઓને અનામત ભરતી, રોસ્ટર રજિસ્ટરની જાળવણી અને ભરતી પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓના નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “અનામતની બંધારણીય વ્યવસ્થા અનુસાર વિશેષ વર્ગોના બંધારણીય હકો જાળવવાનું કામ રોસ્ટર વ્યવસ્થા કરે છે, એટલે રોસ્ટર એ અનામત વ્યવસ્થાનું હૃદય છે.”

 મંત્રીએ સરકારી ભરતીમાં અનામતની બંધારણીય જોગવાઈઓનું યોગ્ય પાલન કરવા અને રોસ્ટર વ્યવસ્થાના અસરકારક અમલીકરણ દ્વારા પાત્ર ઉમેદવારોને ન્યાયસંગત તક આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે રોસ્ટર રજિસ્ટરની જાળવણી, અનામત ક્રમની નોંધણી અને સંબંધિત પત્રકોમાં વિગતોની ચોકસાઈપૂર્વક નોંધ રાખવા જેવી બાબતો પર વિશેષ ધ્યાન દોર્યું હતું. રોસ્ટર સંબંધિત કામગીરીમાં આવતી મુશ્કેલીઓ અને રાખવાની જરૂરી કાળજી અંગે વિભાગ દ્વારા મુદ્દાવાર માર્ગદર્શન આપવામાં આવ્યું તે બદલ તેમણે સચિવશ્રી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં.

વર્કશોપમાં દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, ૨૦૧૬ની જોગવાઈઓ અનુસાર દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. દિવ્યાંગતાની વિવિધ કેટેગરીઓ અનુસાર પાત્ર ઉમેદવારોની ભરતી, પ્રક્રિયા દરમિયાન આવતી અડચણો અને તેના નિવારણના ઉપાયો અંગે અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. દિવ્યાંગો માટે અનામત જગ્યાઓ ભરવી એ માત્ર વહીવટી કામગીરી નહીં, પરંતુ સામાજિક ન્યાય અને સમાન તક સુનિશ્ચિત કરવાની નૈતિક જવાબદારી પણ છે. આથી, બાકી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી ઝડપી બનાવવા પર ભાર મૂકાયો હતો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ગુજરાત જાહેર સેવા આયોગના અધિકારીઓએ ભરતી માટે માંગણાપત્રક મોકલતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, અનામત જગ્યાઓની યોગ્ય ઓળખ અને ભરતીની દરખાસ્ત તૈયાર કરતી વખતે રાખવાની જરૂરી કાળજી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વર્ટિકલ અને હોરિઝોન્ટલ અનામતના વિવિધ પાસાંઓની સમજ આપવામાં આવી હતી. તેમાં અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (OBC), આર્થિક રીતે નબળા વર્ગો (EWS), દિવ્યાંગો, મહિલાઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટેની અનામત જોગવાઈઓનો સમાવેશ થતો હતો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular