ગાંધીનગર, 13 ઓક્ટોબર, 2026 : Obesity Free Gujarat Campaign ગુજરાત સરકારના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’ અંતર્ગત ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારીઓ-કર્મચારીઓમાં મેદસ્વિતા અંગે જાગૃતિ કેળવવા તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાના હેતુથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં વિધાનસભા સચિવાલયના સચિવ ચેતન પંડ્યાએ આ કાર્યક્રમ થકી ગુજરાત સરકારના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન’માં આ સચિવાલય પણ હવે જોડાઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું. સેમિનારમાં નિષ્ણાતો દ્વારા મેદસ્વિતા, તેના કારણો, તેની આરોગ્ય પર થતી અસરો, મેદસ્વિતા નિવારણના ઉપાયો, સંતુલિત આહાર, નિયમિત કસરત તથા સ્વસ્થ જીવનશૈલીના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ડો.પૂજા વ્યાસ, કાર્ડિયોલોજિસ્ટ યુ.એન.મહેતા હોસ્પિટલ,અમદાવાદ, ડો શશીકુમાર એચ. મુંધડા, એસો. પ્રોફેસર જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ, ગાંધીનગર, ડો. સાગર પંચાલ,તબીબી અધિકારી અમદાવાદ મહાનગરપાલિકા અને ડો. જયેશ સોલંકી,સ્ટેટ નોડલ ઓફીસર એન.સી.ડી શાખા જેવા નિષ્ણાંત તબીબોએ પોતાના વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરીના જવાબ આપ્યા હતાં.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો સાથેની ચર્ચા અને પ્રશ્નોત્તરી દ્વારા ઉપસ્થિત અધિકારીઓ-કર્મચારીઓની આરોગ્યલક્ષી જિજ્ઞાસાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. રોજિંદા જીવનમાં સ્વાસ્થ્યપ્રદ આદતો અપનાવી મેદસ્વિતા સહિતના રોગોથી બચવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


