Homerevoinewsનવવારી સાડીમાં સજ્જ એક ગુજરાતી મહિલાએ જ્યારે કિલિમાન્જારો શિખર ઉપર ભારતીય ત્રિરંગો...

નવવારી સાડીમાં સજ્જ એક ગુજરાતી મહિલાએ જ્યારે કિલિમાન્જારો શિખર ઉપર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો

[અલકેશ પટેલ] 31 ઓગસ્ટ, 2026 – Mountaineering, Skiing, Trekking, Mount Kilimanjaro સમાચારની દુનિયા સાથે સંકળાયેલા રહેનાર વ્યક્તિ પોતે જ એક દિવસ સમાચાર બને- એવા કિસ્સા આમ તો અગણિત છે. ઘણા લોકો મીડિયામાં કામગીરીની સાથે અથવા મીડિયા ક્ષેત્ર છોડીને પોતાની પસંદગીના ક્ષેત્રમાં ઝંપલાવે અને તેમાં એટલી સફળતા મેળવે કે પછીથી મીડિયાએ તેમની નોંધ લેવી પડે.

આવી જ કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે ધર્મિષ્ઠા પટેલે. રાજ્યમાં વિવિધ મીડિયા ગૃહમાં પત્રકાર તરીકે કામગીરી કરી ચૂકેલા ધર્મિષ્ઠા પટેલે માઉન્ટ કિલિમાન્જારો ઉપર પહોંચીને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. માઉન્ટ કિલિમાન્જારો ઉપર અગાઉ પણ ભારતીય સાહસવીરો પહોંચ્યા છે અને ભવિષ્યમાં પણ આ સિલસિલો ચાલુ રહેશે. પરંતુ ધર્મિષ્ઠાબેનની વિશેષ નોંધ લેવી જોઈએ તેનું કારણ એ છે કે, વિશ્વના સાત ટોચના શિખર પૈકી એક ગણાતા માઉન્ટ કિલિમાન્જારો ઉપર તેમણે જગવિખ્યાત ભારતીય પરિધાન નવ-વારી સાડીમાં સજ્જ થઈને ભારતીય ત્રિરંગો લહેરાવ્યો.

નવ-વારી સાડીમાં સજ્જ થઈને ત્રિરંગો લહેરાવવાનું કારણ?

માઉન્ટેનિયરિંગ, સ્કીઈંગ અને ટ્રેકિંગનો શોખ અને હવે તેને કારકિર્દી તરીકે અપનાવનાર ધર્મિષ્ઠા પટેલે રિવોઈ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું કે, આફ્રિકાના આ સૌથી ઊંચા શિખર ઉપર ભારતીય સંસ્કૃતિ દર્શાવવાની મારી ઈચ્છા હતી. સામાન્ય રીતે માઉન્ટેનિયરિંગ, સ્કીઈંગ, ટ્રેકિંગ કર્યા પછી એ માટેના નિર્ધારિત ડ્રેસમાં જ લોકો ફોટા પડાવતા હોય છે. અને એ રીતે દરેક જણ વ્યક્તિગત સિદ્ધિની ઘોષણા કરે છે. “પરંતુ હું ઈચ્છતી હતી કે 5,895 મીટર (19,340 ફૂટ)ની ઊંચાઈએ ભારતીય પરિધાન પ્રદર્શિત કરું,” એવું નક્કી કર્યું હતું. અને તેથી જ તાન્ઝાનિયા જતી વખતે જ સાડી સાથે લઈ લીધી હતી.

A Gujarati woman dressed in a Navratri sari hoisted the Indian tricolor on top of Mount Kilimanjaro

નવવારી સાડી અને તેનો ભવ્ય ઇતિહાસઃ

ધર્મિષ્ઠા પટેલ કહે છે કે, સ્મૅશ પેટ્રીઆર્કીના નામે તેમજ મનુસ્મૃતિના નામે અમુક લોકો વિવાદ જગાવે છે અને ભારતીય મહિલા શોષિત-પીડિત હોય એવા નૅરેટિવ ફેલાવે છે પરંતુ હકીકતે આ નવવારી સાડી ભારતીય મહિલાની સ્વતંત્રતા અને શક્તિનું સૌથી મોટું પ્રતીક છે. પશ્ચિમની મહિલાઓએ 1850માં ટ્રાઉઝર પહેરવાનું શરૂ કર્યું અને એ વાતને મહિલા મુક્તિ તરીકે પ્રચારિત કરવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે સાહસ, શક્તિ અને સમાનતાના પ્રતીક સમાન નવવારી સાડી ઇસવીસનના પ્રારંભકાળથી ભારતીય મહિલાઓ પહેરે છે.

આ એક પ્રકારનું ઉત્તરીય છે, અખંડવસ્ત્ર છે. માત્ર એક જ વસ્ત્રથી મહિલા તેના સમગ્ર શરીરને ગૌરવપૂર્ણ રીતે ઢાંકી પણ શકે છે અને તે પહેરીને કોઇપણ મુશ્કેલી વિના પોતાનાં દૈનિક કામો કરી શકે છે. આ એક પ્રકારે ધોતી સ્ટાઈલની સાડી છે. ધર્મિષ્ઠાબેન કહે છે કે સામાન્ય રીતે આ સાડી મહારાષ્ટ્રીયન સાડી તરીકે ઓળખાય છે, પરંતુ દક્ષિણ ભારતમાં પણ આવા જ પ્રકારની સાડી પહેરાય છે અને તે મડીસાર નામે પ્રચલિત છે, જે નવ ગજની હોય છે.

કિલિમાન્જારો અને બીજાં સાહસઃ

બે મહિના પહેલાં અર્થાત 2026ની 16ની જૂને તાન્ઝાનિયાના કિલિમાન્જારો શિખર (સ્થાનિક ભાષામાં તે ઉહુરુ પીક તરીકે ઓળખાય છે) સર કરનાર ધર્મિષ્ઠા પટેલે આ અગાઉ માઉન્ટ રેનોક એક્સપિડિશન (Mount Renok Expedition), ચાદર ટ્રેક – થીજેલી નદી (Chadar Trek – Frozen River). કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેક (Kashmir Great Lakes Trek), સર પાસ ટ્રેક (Sar Pass Trek), કેદારકાંઠા ટ્રેક (Kedarkantha Trek), બ્રહ્મતાલ ટ્રેક (Brahmatal Trek), મેઘાલય ટ્રેક (Meghalaya Trek), વેલી ઓફ ફ્લાવર્સ / ફૂલોની ઘાટી (Valley of Flowers), શેષનાગ ટ્રેક (Sheshnag Trek), ગ્રીન ટોપ ટ્રેક (Green Top Trek), અરૂ ટ્રેઇલ રન (Aru Trail Run) એક્સિપિડશન અને ટ્રેકિંગ કર્યા છે.

પતિના પ્રોત્સાહનને કારણે આ બધું શક્ય બન્યું

તેઓ રિવોઈને જણાવે છે કે, પર્વતારોહણ માટે પહેલેથી આકર્ષણ અને શોખ હતો પરંતુ આ પ્રવૃત્તિ અતિશય ખર્ચાળ હોવાથી એ દિશામાં આગળ વધી શકવાની કોઈ સંભાવના નહોતી. પારિવારિક પરિસ્થિતિ અત્યંત સામાન્ય હોવાથી અભ્યાસ માટે પણ અમે ત્રણે ભાઈ-બહેને એકબીજાને મદદ કરી ત્યારે અમે અભ્યાસ પૂરો કરી શક્યા. જોકે લગ્ન પછી મારા પતિએ મારો જે શોખ બાકી હોય તે પૂરો કરવાની સ્વતંત્રતા આપી અને એ સાથે મને જાણે ખૂલ્લું આકાશ મળી ગયું. મેં માઉન્ટેનિયરિંગના કોર્સ કર્યા અને ત્યારબાદ વિવિધ એક્સપિડિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. (બેસિક માઉન્ટેનિયરિંગ કોર્સ — JIM & WS 2023, એડવાન્સ્ડ માઉન્ટેનિયરિંગ કોર્સ — JIM & WS 2024, બેસિક સ્કીઇંગ કોર્સ — JIM & WS 2025).

પર્વતારોહણનો ખર્ચ અને વ્યવસ્થાઃ

અગાઉ કહ્યું તેમ, પર્વતારોહણ-સ્કીઈંગ કિંગ ઑફ સ્પોર્ટ્સ ગણાતા હોવાથી તેનો ખર્ચ ઘણો આવે છે. ગુજરાત સરકારનો રમતગમત વિભાગ આ માટે મદદ કરે છે. જોકે, ધર્મિષ્ઠાબેને શ્યામ (હોટેલ અને રિસોર્ટ) ગ્રુપની સ્પૉન્સરશિપ મેળવીને આ અભિયાન પૂરું કર્યું.

નીકળી પડો, પ્રવાસ કરો, બજેટ ટ્રાવેલ કરો…

સ્કીઇંગ સ્પર્ધામાં આશ્વાસન ઇનામ મેળવનાર ધર્મિષ્ઠાબેન પટેલ યુવાનોને અમૂલ્ય સૂચન કરે છે. તેઓ કહે છે કે, જીવનમાં પરંપરાગત અભ્યાસ ભલે જરૂરી હોય પરંતુ 12મા ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી એક વર્ષ ડ્રોપ લઈને અથવા કૉલેજ દરમિયાન દેશમાં અલગ અલગ જગ્યાએ એકલા ફરવા નીકળી જવું જોઈએ. બજેટ ટ્રાવેલ કરવાથી, લોકોની વચ્ચે જવાથી, લોકો સાથે વાતચીત કરવાથી તમારામાં જે આત્મવિશ્વાસ ઊભો થશે તે જીવનમાં વધારે કામ લાગશે. રીલમાંથી બહાર નીકળીને રિયલ-લાઈફ અનુભવ જીવનના પડકારોને ઝીલવા વધુ ઉપયોગી સાબિત થશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular