મુંબઈ, 2 સપ્ટેમબર 2026: બોમ્બે હાઈકોર્ટે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનની મૃત્યુના મામલે ૨ સપ્ટેમ્બરે મોટો આદેશ આપ્યો છે. અદાલતે આ મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને FIR નોંધવા અને નિષ્પક્ષતાથી ઊંડાણપૂર્વક તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
દિશાના પિતા સતીશ સાલિયાન દ્વારા તેમની પુત્રીની મૃત્યુને હત્યા ગણાવીને FIR નોંધવાની અને CBI તપાસની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી 28 ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ હતી અને કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ન્યાયમૂર્તિ એસ.વી. કોટવાલ અને આર.આર. ભોસલેની ખંડપીઠ સમક્ષ તેમના વકીલ નિલેશ ઓઝા દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આ ઘટના પાછળ સંદિગ્ધ પરિસ્થિતિઓ રહેલી છે.
કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે હાલમાં કોઈને આરોપી બનાવવામાં ન આવે પરંતુ માત્ર નિવેદનો નોંધવામાં આવે, તપાસ બાદ યોગ્ય નિષ્કર્ષ પર પહોંચીને ચાર્જશીટ દાખલ કરવામાં આવે. આ આદેશ બાદ દિશાના પિતાએ અદાલતનો આભાર માન્યો છે. હવે આ સમગ્ર મામલાની તપાસ નવેસરથી CBI દ્વારા કરવામાં આવશે અને તે તમામ પાસાઓની તપાસ થશે જેના પર લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા હતા.
દિશા સાલિયાનનું 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડ સ્થિત એક બિલ્ડિંગની 14મા માળેથી નીચે પટકાવવાથી અવસાન થયું હતું. પ્રારંભિક તપાસ બાદ મુંબઈ પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણાવીને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ નોંધી હતી. જોકે, દિશાના પરિવારજનો પોલીસના આ નિષ્કર્ષ સાથે અસંમત રહ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમની પુત્રીએ આત્મહત્યા નથી કરી પરંતુ દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી છે. આ જ આધાર પર પરિવાર દ્વારા CBI તપાસની માંગ કરવામાં આવી હતી.


