ઇસ્લામાબાદ, 18 સપ્ટેમ્બર 2026: ખૈબર પખ્તુનખ્વાના કોહાટ જિલ્લાના ‘પોલીસ લાઈન્સ’ વિસ્તારમાં આવેલી એક મસ્જિદ નજીક થયેલા વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓ સહિત કુલ 16 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ એ પણ જણાવ્યું હતું કે ત્યારબાદ પોલીસ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર (DHQ) હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ (MS) તાહિર અલી શાહે જાનહાનિની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓ સહિત 16લોકોનાં મોત થયાં છે.
રાહત અને બચાવ કામગીરી ચાલું
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારની નમાઝ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો, જેનાથી મસ્જિદની બહાર એક ખાડો પડી ગયો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. બચાવ કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટને કારણે મસ્જિદના બહારના ભાગને ભારે નુકસાન થયું હતું અને એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે; દરમિયાન, આ ઘટના બાદ કોહાટ-હંગુ રોડ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. કોહાટમાં DHQ વહીવટીતંત્રે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે કારણ કે ઘાયલોને સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે.
વિસ્ફોટની ચાલી રહી છે તપાસ
પ્રારંભિક અહેવાલો અનુસાર, વિસ્ફોટકોથી ભરેલું એક વાહન ‘ઓલ્ડ પોલીસ લાઇન્સ’માં ઘુસાડવામાં આવ્યું હતું; જોકે, વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ‘રેસ્ક્યૂ 1122’ના પ્રવક્તા બિલાલ અહેમદ ફૈઝીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિસ્ફોટ બાદ સજ્જ આતંકવાદીઓ સાથે ગોળીબાર થયો હતો.”
વધુ વાંચો: ફિલિપાઈન્સની હાઈસ્કૂલમાં ફાયરિંગની ઘટના, શૂટર સહિત ત્રણના મોત અને 8 ઘાયલ


