જમ્મુ, 17 સપ્ટેમ્બર 2026: જમ્મુની વિશેષ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) કોર્ટે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકી કમાન્ડર સૈફુલ્લાહ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, એપ્રિલ 2025માં થયેલા ચર્ચિત પહલગામ આતંકી હુમલા સહિત અનેક મોટી આતંકવાદી ઘટનાઓમાં સૈફુલ્લાહ મુખ્ય સૂત્રધાર રહ્યો છે.
પાકિસ્તાનના કસૂર જિલ્લાના ચંગા માંગાનગરનો વતની સૈફુલ્લાહ આતંકી સંગઠનમાં સાજિદ જટ્ટ, અલી ભાઈ, હબીબુલ્લાહ મલિક, લંગડા, નૂમી, નુમાન, ઉસ્માન હબીબ અને શાન જેવા અનેક બોગસ નામોથી ઓળખાય છે. તે છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય છે અને લશ્કર-એ-તૈયબાના નેટવર્કને ચલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.
એનઆઈએ દ્વારા પાકિસ્તાનથી ઓપરેટ થતા લશ્કરના ઊંડા નેટવર્કનો પર્દાફાશ કર્યા બાદ આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરાઇરા નામના આતંકીની આગેવાની હેઠળની ગેંગને ઝડપી લેવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, માર્ચ મહિનામાં શ્રીનગરના પંડાચ વિસ્તારમાંથી લશ્કરના એક સભ્યની ધરપકડ બાદ આખા નેટવર્કનો દોરો પકડાયો હતો. અબ્દુલ્લા આશરે 16 વર્ષથી ફરાર હતો અને તેણે જમ્મુ-કાશ્મીર બહાર પણ પોતાના અડ્ડા બનાવી લીધા હતા.
-
પાકિસ્તાનથી હથિયારો અને ફંડિંગ પૂરું પાડતો હતો
એનઆઈએએ અદાલતમાં રજૂઆત કરી હતી કે, સૈફુલ્લાહ પાકિસ્તાનમાં બેસીને કાશ્મીર ખીણમાં સક્રિય આતંકવાદીઓને હથિયારો, નાણાં અને નિર્દેશો પૂરા પાડતો હતો. તેને UAPA કાયદાની ચોથી અનુસૂચિ હેઠળ આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી મળેલી ટેલિગ્રામ આઈડીથી ખુલાસો થયો છે કે, તે સુરક્ષા દળો, સામાન્ય નાગરિકો અને સરકારી સંપત્તિઓને નિશાન બનાવવા માટે પાકિસ્તાનથી સૂચનાઓ આપતો હતો.
-
કુલગામ એસએસપીને મોકલાયું વોરંટ
એનઆઈએની દલીલો અને પુરાવા ધ્યાને લીધા બાદ વિશેષ અદાલતે સૈફુલ્લાહ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ વોરંટ કુલગામના સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP)ને મોકલવામાં આવ્યું છે, કારણ કે પાકિસ્તાન ભાગતા પહેલા સૈફુલ્લાહનું છેલ્લું સરનામું દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનું યમરાચ ગામ નોંધાયેલું હતું. રેકોર્ડ મુજબ, સૈફુલ્લાહ 2005 થી 2007 દરમિયાન કુલગામમાં કમાન્ડર તરીકે સક્રિય હતો અને ત્યારબાદ પાકિસ્તાન ભાગી ગયો હતો.


