Homeગુજરાતીદેશ-વિદેશમેડિકલ સ્ટોર્સમાં CCTV કેમેરા ફરજિયાત થશે, ગેરકાયદે દવા વેચાણ પર વાગશે બ્રેક

મેડિકલ સ્ટોર્સમાં CCTV કેમેરા ફરજિયાત થશે, ગેરકાયદે દવા વેચાણ પર વાગશે બ્રેક

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2026: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી જોખમી દવાઓ અને એન્ટીબાયોટીક્સના ગેરકાયદે વેચાણ પર લગામ કસવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલયે ‘ડ્રગ્સ રૂલ્સ, 1945’માં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અંતર્ગત દેશભરના તમામ મેડિકલ સ્ટોર્સ પર સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવી ફરજિયાત કરવામાં આવશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય શિડ્યુલ H, H1 અને X કેટેગરીની દવાનો દુરુપયોગ રોકવાનો અને સપ્લાય ચેઈનમાં પારદર્શકતા લાવવાનો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 8 સપ્ટેમ્બર 2026 ના રોજ આ અંગેનો એક ડ્રાફ્ટ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિડ્યુલ H, H1 અને X શ્રેણીમાં આવતી દવાઓ અત્યંત સંવેદનશીલ હોય છે. જેમાં વિવિધ પ્રકારની એન્ટીબાયોટીક્સ, સાયકોટ્રોપિક ડ્રગ્સ અને નશાકારક પેઇનકિલર્સનો સમાવેશ થાય છે. ડોક્ટરની યોગ્ય સલાહ વગર આ દવાઓ લેવાથી ગંભીર સ્વાસ્થ્ય જોખમો ઊભા થાય છે. ઘણીવાર મેડિકલ સ્ટોર્સ પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર જ આવી દવાઓ વેચાતી હોવાની ફરિયાદો મળતી હોય છે, જેના પર રોક લગાવવા માટે આ કડક નિર્ણય લેવાયો છે.

આ પ્રસ્તાવને અગાઉ ડ્રગ્સ કન્સલ્ટેટિવ કમિટી અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓની ગંભીરતાથી વિચારણા કર્યા બાદ DTABના સભ્યોએ આ પ્રસ્તાવને મંજૂરી આપવાની ભલામણ કરી છે. મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા લગાવવાથી દવાના દરેક વેચાણનો વિઝ્યુઅલ રેકોર્ડ સુરક્ષિત રહેશે. કઈ દવા, કયા પ્રિસ્ક્રિપ્શન પર અને કોને વેચવામાં આવી છે તેનું ટ્રેકિંગ સરળ બનશે. પરિણામે, નશા માટે કે ગેરકાયદેસર રીતે થતા એન્ટીબાયોટીક્સના દુરુપયોગ પર અસરકારક અંકુશ લાવી શકાશે.

  • આમ જનતા અને વેપારીઓ પાસેથી મંગાવાયા સૂચનો

સરકારે આ ડ્રાફ્ટ અંગે તમામ સ્ટેકહોલ્ડર્સ, ફાર્માસ્યુટિકલ એસોસિએશન્સ, દવા વિક્રેતાઓ અને સામાન્ય જનતા પાસેથી સૂચનો અને વાંધા અરજીઓ મંગાવી છે. જો કોઈ આ પ્રસ્તાવ અંગે પોતાના સૂચનો આપવા માંગતું હોય તો તે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સરનામે લેખિતમાં અથવા ઈમેલ દ્વારા પોતાની રજૂઆત મોકલી શકે છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular