Homeગુજરાતીગુજરાતકચ્છમાં વરસાદ ખેંચાતા પશુપાલકો માટે 17 લાખ કિલો ઘાસનું વિતરણ કરાયું

કચ્છમાં વરસાદ ખેંચાતા પશુપાલકો માટે 17 લાખ કિલો ઘાસનું વિતરણ કરાયું

ભૂજ, 13 સપ્ટેમ્બર, 2026 :  17 lakh kg of grass distributed to cattle farmers ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. પણ કચ્છ હજુ પણ કોરૂ ધાકોડ છે. કચ્છમાં સીઝનનો માત્ર 30 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. અપુરતા વરસાદને લીધે પશુધન માટે ઘાસચારાની વિકટ સમસ્યા ઊભી થઈ છે. પશુપાલકો અને માલધારીઓને ઘાસચારાની અછતનો સામનો કરી રહ્યા છે.  ત્યારે રાજ્ય સરકારે ઘાસ વિતરણ શરૂ કર્યું છે, જે પશુપાલકો માટે મોટી રાહત છે. અત્યાર સુધીમાં કચ્છ જિલ્લામાં 17 લાખ કિલોથી વધુ ઘાસ પશુઓ માટે આપવામાં આવ્યું છે, જેમાં માંડવી તાલુકામાં જ 4 લાખ કિલોથી વધુ ઘાસનું વિતરણ થયું છે.

માંડવી તાલુકામાં 23 જુલાઈથી ઘાસ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. તાલુકાના 90 ગામોને આવરી લેવા માટે કુલ 10 ઘાસ ડેપો બનાવવામાં આવ્યા છે. તાલુકામાં આશરે 1,40,089 પશુઓ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં 5,300 ઘાસકાર્ડ આપવામાં આવ્યા છે અને નવા કાર્ડ બનાવવાની પ્રક્રિયા પણ ચાલુ છે. તંત્ર દ્વારા ઘાસ વિતરણ પર નજર રાખવામાં આવી રહી છે. તમામ પશુપાલકોને ઘાસ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર પશુપાલકોને બજાર ભાવ કરતાં ઘણા ઓછા ભાવે ઘાસ આપી રહી છે. બજારમાં જ્યાં 15થી 16 રૂપિયા પ્રતિ કિલો ઘાસ મળે છે, ત્યારે સરકાર માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઘાસ આપી રહી છે. આનાથી વરસાદ મોડો પડ્યો હોય તેવા વિસ્તારોમાં પશુપાલકોને તેમના પશુઓનો નિભાવ કરવામાં આર્થિક મદદ મળી રહી છે.  જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની જરૂરિયાત વધી છે. આવા સમયે સરકાર દ્વારા થતું વિતરણ તેમના માટે રાહત બન્યું છે.

પશુપાલકોના કહેવા મુજબ  કોડાયમાં શરૂ કરાયેલા ઘાસ ડેપોમાં આસપાસના 11 ગામોને આવરી લેવાયા છે. સરકાર દ્વારા સસ્તા ભાવે ઘાસ મળવાથી માલધારીઓ અને ખેડૂતોને ઘણી મદદ મળી રહી છે. વરસાદની રાહ જોઈ રહેલા પશુપાલકો માટે હાલ સરકારી ઘાસચારો પશુઓનો નિભાવ કરવામાં મોટો આધાર બની રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular