ભુજ, 19 સપ્ટેમ્બર, 2026 – ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના હિન્દી અનુસ્નાતક વિભાગ દ્વારા તાજેતરમાં હિન્દી દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતી ભાષાના પ્રખ્યાત લેખક માવજી માહેશ્વરીને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સેમેસ્ટર – ૩ની વિદ્યાર્થિની જોષી પ્રિયા દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના દ્વારા થઈ. ત્યારબાદ યુનિવર્સિટીના હિન્દી અનુસ્નાતક ભવનના ઈન્ચાર્જ વિભાગના અધ્યક્ષ ડૉ. પંકજ ઠાકરે હિન્દી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું તથા માવજી માહેશ્વરીએ સાહિત્ય તથા અભ્યાસક્રમમાં જોડવામાં આવેલા તેમના પુસ્તક ‘ગુમસુદા ગાંવ’ અંતર્ગતની વાર્તાઓની પ્રેરણા એમને ક્યાંથી મળી હતી એ વિશે ચર્ચા કરી. આ કાર્યક્રમના પ્રથમ ચરણનું સંચાલન મુલાકાતી હિન્દી પીજી ભવનનાં પ્રાધ્યાપિકા રેખા રાવલ દ્વારા કરવામાં આવ્યું.
કાર્યક્રમના દ્વિતીય ચરણમાં હિન્દી દિવસના અંતર્ગત જે ‘હિન્દી પખવાડિયા‘નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ પ્રવૃતિઓ જેવી કે પ્રશ્નોત્તરી સ્પર્ધા, શૈક્ષણિક યાત્રામાં વ્રજભાષા પાઠશાળાની મુલાકાત, વાદ-વિવાદ સ્પર્ધા, કાવ્યપઠન, સ્વરચિત કાવ્યલેખન સ્પર્ધા, સંસ્મરણ લેખન તથા રિપોર્ટ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ કચ્છ યુનિવર્સિટી દ્વારા હિન્દી પખવાડિયા નિમિત્તે વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન
સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મુજબ પ્રમાણપત્ર અને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રસિદ્ધ ગઝલકાર અને ગુજરાતી વિભાગ અધ્યાપક ડૉ. અમિતસિંહ ગામી ઉપસ્થિત રહ્યા હતા. અહીં દ્વિતીય ચરણનાં સંચાલક મુલાકાતી હિન્દી અનુસ્નાતક ભવનના પ્રાધ્યાપિકા અંજના રામાનંદી રહ્યા હતા. આ હિન્દી દિવસ નિમિત્તે સેમેસ્ટર -૩ ની વિદ્યાર્થિની શેખ જૈનબ દ્વારા હિન્દી ભાષાને લઈ વિચારો વ્યક્ત કર્યા હતા.


